તેલમાં ભેળસેળ: એફડીએના બે અધિકારીઓ સસ્પેન્ડ, નંદુરબારની ફેક્ટરી બંધ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્રના અન્ન અને ઔષધ ખાતાના પ્રધાન નરહરિ ઝીરવાલે સોમવારે ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (એફડીએ)ના બે અધિકારીઓને તાત્કાલિક સસ્પેન્ડ કરવાની અને નંદુરબાર જિલ્લામાં તેલમાં ભેળસેળના અનેક કેસોમાં દોષી એક ફેક્ટરીને બંધ કરવાની જાહેરાત કરી છે.
શિવસેનાના વિધાનસભ્ય આમશ્યા પાડવીએ વિધાનસભામાં ઉઠાવેલા પ્રશ્ર્નના જવાબમાં, ઝીરવાલે જણાવ્યું હતું કે ભેળસેળના અનેક કિસ્સાઓ નોંધાયા હોવા છતાં, અક્કલકુવામાં આવેલી ફેક્ટરી સામે તાત્કાલિક કાર્યવાહી કરવામાં નિષ્ફળ રહેવા બદલ એફડીએના જોઈન્ટ કમિશનર અને આસિસ્ટન્ટ કમિશનરને સસ્પેન્ડ કરવામાં આવશે.
આપણ વાંચો: પનીર અને માવામાં ભેળસેળ કરનારા સામે કાર્યવાહી કરવાની મહારાષ્ટ્ર સરકારની ચેતવણી
વિધાનસભ્ય સમીર કુનાવરેએ પૂરક પ્રશ્ર્નો ઉઠાવ્યા હતા, જેમણે ધ્યાન દોર્યું હતું કે તાજેતરમાં જ એક જ ફેક્ટરીમાંથી એકત્રિત કરાયેલા સોયાબીન અને મગફળીના તેલના નમૂનાઓમાં ભેળસેળ હોવાનું જાણવા મળ્યું છે.
‘ઝડપી કાર્યવાહી અપેક્ષિત હતી, પરંતુ સંબંધિત અધિકારીઓ કાર્યવાહી કરવામાં નિષ્ફળ ગયા, જેના કારણે હવે શિસ્તની કાર્યવાહી કરવામાં આવી છે. નંદુરબાર જિલ્લામાં હલકી ગુણવત્તાવાળા ખાદ્ય તેલના કેસમાં જવાબદાર અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવશે અને સંબંધિત કંપનીને બંધ કરવામાં આવશે,’ એમ ઝીરવાલે ગૃહને માહિતી આપી હતી.
10 માર્ચે, એફડીએ અધિકારીઓએ અક્કલકુવામાં આવેલી કંપની ગોપાલ પ્રોવિઝનનું નિરીક્ષણ કર્યું, જ્યાં મહિકા બ્રાન્ડ રિફાઇન્ડ સોયાબીન તેલ અને કમલા બ્રાન્ડ મગફળીના તેલના નમૂના પરીક્ષણ માટે એકત્રિત કરવામાં આવ્યા હતા, જેમાં પ્રાથમિક અહેવાલોમાં આ ખાદ્યપદાર્થો સલામતી ધોરણોનું પાલન ન કરતા હોવાનું જાણવા મળ્યું હતું, એવી માહિતી તેમણે ગૃહને આપી હતી.
આપણ વાંચો: અમદાવાદમાં ફૂડ વિભાગની તવાઈ: 1500 કિલો ભેળસેળયુક્ત પનીરનો જથ્થો જપ્ત
ઝીરવાલે વિધાનસભામાં જણાવ્યું હતું કે, વિક્રેતાએ તારણો સામે અપીલ કરી હોવાથી, નમૂનાઓ હવે કર્ણાટકના મૈસુરમાં સેન્ટ્રલ ફૂડ ટેકનોલોજીકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (સીએફટીઆરઆઈ)ને ફરીથી પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે.
2024-25 દરમિયાન નંદુરબાર જિલ્લામાં કુલ બાર ખાદ્ય તેલના નમૂના એકત્રિત કરવામાં આવ્યા હતા, જેમાંથી પાંચને હલકી ગુણવત્તાવાળા જાહેર કરવામાં આવ્યા હતા, આમાંથી બે કેસમાં ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ 2006 હેઠળ કાનૂની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી.
બાકીના ત્રણમાં રેફરલ લેબોરેટરીઓના રિપોર્ટની રાહ જોવાઈ રહી છે, એમ ઝીરવાલે જણાવ્યું હતું, જ્યારે ખાદ્ય સુરક્ષા નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી.
આપણ વાંચો: પાટણ: સિદ્ધપુર GIDCમાં ફૂડ વિભાગ ત્રાટક્યું, ભેળસેળયુક્ત 8219 કિલો તેલ સીઝ કર્યુ
એક અલગ ચર્ચામાં, પ્રભારી મંત્રી શંભુરાજ દેસાઈએ વિધાનસભાને માહિતી આપી હતી કે મુંબઈમાં ઉમરખાડી પુનર્વિકાસ સમિતિ હેઠળ 81 ઇમારતોના પુનર્વિકાસનો અભ્યાસ કરવા માટે આર્કિટેક્ટ અને નાણાકીય નિષ્ણાતોની એક પેનલની નિમણૂક કરવામાં આવી છે.
દેસાઈએ જણાવ્યું હતું કે, ત્રણ મહિનાની અંદર રિપોર્ટ અપેક્ષિત છે, ત્યારબાદ નિર્ણય લેવામાં આવશે. સભાની કાર્યવાહી દરમિયાન, વિધાનસભા અધ્યક્ષ રાહુલ નાર્વેકરે નિર્દેશ આપ્યો હતો કે જાહેર વિતરણ વ્યવસ્થા (પીડીએસ) હેઠળ ચોખાની ખરીદી અને વિતરણમાં કથિત અનિયમિતતાઓ અંગેનો અહેવાલ વર્તમાન સત્રના અંત પહેલા ગૃહમાં રજૂ કરવામાં આવે.
પીડીએસ સપ્લાય ચેઇનમાં મોટા પાયે ભ્રષ્ટાચાર અંગે કોંગ્રેસના વરિષ્ઠ નેતા નાના પટોલે દ્વારા ઉઠાવવામાં આવેલી ફરિયાદોને પગલે આ નિર્દેશ આપવામાં આવ્યો હતો.