પટોલેએ ટોચના સરકારી અધિકારીઓ વિરુદ્ધ માંડ્યો વિશેષાધિકાર ભંગનો પ્રસ્તાવ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: કોંગ્રેસના વિધાનસભ્ય નાના પટોલેએ બુધવારે મુખ્ય સચિવ સહિત મહારાષ્ટ્રના વરિષ્ઠ અધિકારીઓ વિરુદ્ધ વિશેષાધિકાર ભંગનો પ્રસ્તાવ માંડ્યો હતો, જેને તેમણે ‘બ્લેકલિસ્ટેડ’ ખાનગી ટોલ મેનેજમેન્ટ કંપનીને ‘અત્યંત અનિયમિત’ પદ્ધતિએ કોન્ટ્રાક્ટ લંબાવી આપવા બદલ હોવાનો દાવો તેમણે કર્યો હતો.
વિધાનસભા અધ્યક્ષ રાહુલ નાર્વેકરને સુપરત કરાયેલ આ પ્રસ્તાવમાં મહારાષ્ટ્ર રાજ્ય માર્ગ વિકાસ નિગમ (એમએસઆરડીસી)ના મેનેજિંગ ડિરેક્ટર અને પીડબ્લ્યુડી (જાહેર બાંધકામ વિભાગ)ના એડિશનલ ચીફ સેક્રેટરીનો પણ ઉલ્લેખ છે અને એવો આરોપ લગાવવામાં આવ્યો છે કે આ એક્સટેન્શનથી રાજ્યને 3,000 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.
આ પણ વાંચો: કોંગ્રેસના વિધાનસભ્ય પટોલે સ્પીકરના પોડિયમ પર ચઢી ગયા, વિધાનસભામાંથી એક દિવસ માટે સસ્પેન્ડ
આ પ્રસ્તાવમાં મુંબઈના પ્રવેશ સ્થળો પર પાંચ ટોલ પ્લાઝા પર હળવા મોટર વાહનો, સ્કૂલ બસો અને મહારાષ્ટ્ર રાજ્ય પરિવહન બસોને આપવામાં આવેલી ટોલ મુક્તિ માટે એમએસઆરડીસીને વળતર આપવા અંગે પીડબ્લ્યુડી દ્વારા પચીસમી જૂન, 2025ના રોજ જારી કરાયેલા સરકારી ઠરાવ (જીઆર)નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
વિધાનસભામાં પોતાના નિવેદનમાં પટોલેએ એવો આરોપ લગાવ્યો હતો કે બ્લેકલિસ્ટ કરાયેલા એમઈપી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડના કોન્ટ્રાક્ટને ગેરકાયદે લંબાવવામાં આવ્યો હતો, જેના પરિણામે રાજ્યને અંદાજે 3,000 કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું.
આ પણ વાંચો: 45 દિવસ પછી ચૂંટણી ફૂટેજ નાશ કરવાના ચૂંટણી પંચના આદેશની પટોલેએ ટીકા કરી, કેન્દ્ર સાથે મિલીભગતનો આરોપ
તેમણે દાવો કર્યો હતો કે એક્સટેન્શનનો નિર્ણય વરિષ્ઠ સરકારી અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર વચ્ચેના કરારના ધોરણોનું ઉલ્લંઘન કરીને લેવામાં આવ્યો હતો.
જીઆરમાં ઉલ્લેખિત ટોલ પ્લાઝામાં સાયન-પનવેલ (વાશી), એલબીએસ રોડ (મુલુંડ), ઇસ્ટર્ન એક્સપ્રેસવે (મુલુંડ), ઐરોલી બ્રિજ અને વેસ્ટર્ન એક્સપ્રેસવે (દહિસર)ના ટોલનો સમાવેશ થાય છે.
પટોલેએ એવી માગણી કરી હતી કે રાજ્ય સંચાલિત સંસ્થા એમએસઆરડીસીએ ખાનગી કોન્ટ્રાક્ટરોને કામ આઉટસોર્સ કરવાને બદલે પોતે ટોલ વસૂલ કરવો જોઈએ.