ભાયખલાના પ્રાણીબાગમાં ત્રણ બાળ પૅંગ્વિનના નામકરણ
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: પર્યટકોના માનીતા મુંબઈના પ્રખ્યાત વીરમાતા જિજાબાઈ ભોસલે વનસ્પતિ ઉદ્યાન અને પ્રાણીસંગ્રહાલયના ૧૬૧ વર્ધાપન દિનની શુક્રવારે ધૂમધામથી ઊજવણી કરવામાં આવી હતી. આ દરમિયાન ત્રણ બાળ પૅંગ્વિનના નામકરણ પણ કરવામાં આવ્યા હતા.
વીરમાતા જિજાબાઈ ભોસલે વનસ્પતિ ઉદ્યાન અને પ્રાણીસંગ્રહાલય દેશ-વિદેશના પર્યટકોમાં માનીતું રહ્યું છે. શુક્રવારે રાણીબાગના વર્ધાપન દિન નિમિત્તે વનસ્પતિ ઉદ્યાન અને પ્રાણીસંગ્રહાલયની જુદી જુદી વનસ્પતી સહિત જુદી પ્રજાતિના ઝાડનું પ્રદર્શન રાખવામાં આવ્યું હતું. વર્ધાપન નિમિત્તે ખાનગી સંસ્થાના ટકાઉ પ્લાસ્ટિકથી તૈયાર કરેલી પ્લાસ્ટિકના બેંચેસ તેમ વ્હિલચેર પ્રાણીસંગ્રહાલયને ભેટ આપવામાં આવી હતી, જે રાણીબાગમાં અલગ અલગ જગ્યાએ રાખવામાં આવશે.
આ દરમિયાન હમ્બોલ્ટર પૅંગ્વિન કક્ષમાં રહેલા ત્રણ નવા બચ્ચાના નામકરણ પણ કરવામાં આવ્યા હતા. ‘કોકો’, ‘સ્ટેલા’ અને ‘જેરી’ એવા નામ બચ્ચાના રાખવામાં આવ્યા હતા, જેમાં ‘કોકો’, ‘સ્ટેલા’ માદા છે, તો ‘જેરી’ નર છે.
મુંબઈ પ્રાણીસંગ્રહાલયલમાં દુનિયાના સાત ખંડમાંથી છ ખંડમાં રહેલા વનસ્પતિ અને વૃક્ષો છે. એ વનસ્પતિ પર આધારિત નવી સિરિયલ ‘સિલ્વન ફોરેસ્ટ’નો પ્રોમો વીડિયોનું પણ અનાવરણ કરવામાં આવ્યું હતું.