આમચી મુંબઈ

નાગપુરમાં વિસ્ફોટ: રોષે ભરાયેલા સ્થાનિકો, કામદારોના સંબંધીઓએ રોડ બ્લોક કર્યો

નાગપુર: નાગપુર જિલ્લામાં રવિવારે એક વિસ્ફોટક ઉત્પાદન એકમમાં વિસ્ફોટમાં નવ લોકોના મોત થયા હતા ત્યાં ગુસ્સે ભરાયેલા સ્થાનિકો અને કામદારોના સંબંધીઓએ હાઇવે બ્લોક કરી દીધો હતો અને માગ કરી હતી કે તેઓને મૃતદેહો જોવા માટે પરિસરમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, પીડિતોના મૃતદેહ હજુ પણ પરિસરની અંદર છે, જ્યાં સવારે ૯ વાગ્યે વિસ્ફોટ થયો હતો. આ ઘટનામાં નવ લોકોના મૃત્યુ ઉપરાંત અન્ય ત્રણ ઘાયલ થયા હતા, એમ પોલીસે જણાવ્યું હતું.

    જિલ્લા મુખ્યાલયથી લગભગ ૩૦ કિમી. દૂર બજારગાંવ ખાતે આવેલી સોલાર ઇન્ડસ્ટ્રીઝ ફેક્ટરીના પ્રવેશદ્વાર પર સ્થાનિક રહેવાસીઓ અને કામદારોના સંબંધીઓ સહિત લગભગ ૨૦૦ લોકોએ ઘેરાવ કર્યો હોવાથી તંગદિલીનો માહોલ સર્જાયો હતો. તેમણે ફેક્ટરીની બહાર અમરાવતી-નાગપુર રોડ બ્લોક કરી દીધો હતો અને સૂત્રોચ્ચાર કરીને માંગણી કરી કે તેઓને તેમના સંબંધીઓના મૃતદેહ જોવા માટે પરિસરમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવે.

એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ પીટીઆઈને જણાવ્યું કે ઘટનાસ્થળની નજીક વિસ્ફોટકો હતા. વિસ્ફોટકોને સુરક્ષિત રાખવાની જરૂર છે અને બોમ્બ નિકાલજોગ ટુકડીઓ સ્થળ પર હતી, એમ તેમણે જણાવ્યું હતું. વિસ્ફોટકોને સુરક્ષિત કરવાની પ્રક્રિયા ચાલી રહી હતી અને ત્યારપછી મૃતદેહો રિકવર કરવામાં આવશે. પોલીસે બાદમાં ભીડને વિખેરી નાખી હતી, અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો, એમ એક અધિકારીએ જણાવ્યું હતું.

મૃતકોમાં સામેલ આરતી સહારેના પિતાએ પત્રકારોને જણાવ્યું હતું કે તેમને સવારે ૯.૩૦ વાગ્યે તેમની પુત્રીના મૃત્યુનો સંદેશ મળ્યો હતો અને તેઓ વધુ માહિતીની રાહ જોઈ રહ્યા હતા. મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે એક્સ પર એક પોસ્ટમાં આ ઘટનાને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી અને નવ લોકોના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો હતો. રાજ્ય સરકાર મૃતકોના પરિવારજનોને રૂ. ૫ લાખની એક્સ-ગ્રેશિયાની સહાય આપશે, એમ તેમણે જણાવ્યું હતું. ફડણવીસે જણાવ્યું હતું કે આ કંપની સશસ્ત્ર દળો માટે ડ્રોન અને વિસ્ફોટકોનું ઉત્પાદન કરે છે. (પીટીઆઈ)

મૃતકોના પરિવારને ₹ પાંચ લાખની સહાય
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: નાગપુરમાં એક ઉપકરણ નિર્માતા કારખાનામાં થયેલા બ્લાસ્ટમાં મૃત્યુ પામેલા લોકો અંગે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ શોક વ્યક્ત કર્યો હતો અને મૃતકના પરિવારજનોને રૂ. પાંચ લાખની આર્થિક સહાય આપવાની જાહેરાત કરી હતી.

આ કારખાનામાં સંરક્ષણની દૃષ્ટિએ અત્યંત મહત્ત્વના ઉત્પાદનો નિર્માણ થઈ રહ્યા હતા અને મુખ્ય પ્રધાને સંબંધિત જિલ્લા વહીવટીતંત્ર, પોલીસ અને સંબંધિત બધી જ યંત્રણાને મદદ સંબંધી કાર્ય કરવાનો નિર્દેશ આપ્યો હતો. આ અકસ્માતમાં જખમી થયેલા
લોકોને સમયસર અને સારી સારવાર મળે તે જોવાનો પણ આદેશ તેમણે આપ્યો હતો.

આ પહેલાં નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે નાગપુરમાં સોલર એક્સ્પ્લોઝિવ કંપનીની મુલાકાત લીધી હતી અને અકસ્માતના સ્થળે ચાલી રહેલા બચાવકાર્યની સમીક્ષા કરી હતી. તેમણે બધા જ જખમીઓને યોગ્ય સારવાર મળી રહેશે એવી ખાતરી આપી હતી. તેમણે મૃતકોના પરિવારજનોને મળીને તેમને ધીરજ બંધાવી હતી. મુખ્ય પ્રધાન દ્વારા મૃતકોના પરિવારજનોને રૂ. પાંચ લાખની સહાયની જાહેરાત કરવામાં આવી હોવાની માહિતી પણ તેમણે પરિવારજનોને આપી હતી.

બીજી તરફ રાજ્ય વિધાનસભામાં વિપક્ષી નેતા વિજય વડેટ્ટીવારે નાગપુરમાં એક કંપનીમાં થયેલા સ્ફોટમાં મૃત્યુ પામેલા લોકો અંગે શોક વ્યક્ત કરતાં મૃતકના પરિવારજનોને રૂ. પચાસ લાખની મદદ અને કુટુંબની એક વ્યક્તિને નોકરી આપવામાં આવે એવી માગણી કરી હતી. તેમણે કહ્યું હતું કે સંરક્ષણ દળો માટે ડ્રોન અને વિસ્ફોટકો તૈયાર કરનારી કંપનીમાં છ મહિલા સહિત કુલ ૯ લોકોનાં મોત થયાં છે અને તેમને સરકારે રૂ. પચાસ લાખની આર્થિક મદદ અને એક પરિવારજનને નોકરી આપવી જોઈએ એવી અમારી માગણી છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Waterproof મેકઅપ આ રીતે કરો આજે દેવસુતી એકાદશી પર કરો આ ઉપાય અને મેળવો મા લક્ષ્મીની કૃપા… આ છે દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળ, કિંમત એટલી કે… સાદા વાસણોને નૉન સ્ટીક બનાવવા છે?