
નાગપુર: નાગપુરના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર શુક્રવારે પ્રવાસીના સામાનમાંથી દેશી બનાવટની પિસ્તોલ અને કારતૂસો મળી આવી હતી.
પ્રવાસીની ઓળખ અનિલ શ્રીકૃષ્ણ પોરમ તરીકે થઇ હોઇ તે રાજકીય પક્ષના આદિવાસી સેલનો અધ્યક્ષ છે અને યવતમાળનો રહેવાસી છે.
અનિલ પોરાદ દિલ્હી જવા માટે શુક્રવારે રાતે નવ વાગ્યે ડો. બાબાસાહેબ આંબેડકર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર પહોંચ્યો હતો.
આ પણ વાંચો: બાંગ્લાદેશી વિમાનનું નાગપુરમાં કરાયું ઈમર્જન્સી લેન્ડિંગ, ફ્લાઈટમાં 400 લોકો હતા સવાર
એરપોર્ટ પર પોરમના સામાનની સ્કેનિંગ વખતે સીઆઇએસએફના જવાનોને શંકાસ્પદ વસ્તુ નજરે પડી હતી. આથી બેગની તલાશી લેવામાં આવતાં તેમાંથી પિસ્તોલ અને બે કારતૂસ મળી આવી હતી.
દરમિયાન એરપોર્ટના સત્તાવાળાઓએ તાત્કાલિક આની જાણ સોનેગાવ પોલીસને કરી હતી, જેને પગલે પોલીસ અધિકારીઓ એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા.
આ પણ વાંચો: બોમ્બની ધમકીઓ: શકમંદનું નાગપુર પોલીસ સમક્ષ આત્મસમર્પણ
પૂછપરછમાં પોરમ આ શસ્ત્રો અંગે યોગ્ય ઉત્તર આપી શક્યો નહોતો. આથી તેને તાબામાં લઇને પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યો હતો, જ્યાં આર્મ્સ એક્ટ હેઠળ ગુનો દાખલ કરીને તેની ધરપકડ કરવામાં આવી હતી.
એરપોર્ટ પર કડક સુરક્ષા હોવા છતાં પોરમ શસ્ત્રો અંદર લાવવામાં કેવી રીતે સફળ થયો તથા તેના હેતુ અંગે પોલીસ તપાસ કરી રહી છે.
(પીટીઆઇ)