મારી લડાઈ મોદી સામે નહીં, એ શક્તિ સામે છે: રાહુલ ગાંધી
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાનું રવિવારે મુંબઈમાં સમાપન થયું તે નિમિત્તે મુંબઈના શિવાજી પાર્ક મેદાન પર આયોજિત વિપક્ષોની રેલીને સંબોધતાં કૉંગ્રેસના સંસદસભ્ય રાહુલ ગાંધીએ કહ્યું હતું કે મારી લડાઈ મોદી કે ભાજપની સાથે નથી, એ શક્તિ સાથે છે જે આ બધું કરી રહી છે. મોદી તો એક ચહેરો છે.
તેમણે એમ પણ કહ્યું હતું કે મહારાષ્ટ્રના જ એક રાજકીય નેતા મારી માતાને મળવા આવ્યા હતા અને રડતાં રડતાં કહ્યું હતું કે સોેનિયાજી મને શરમ આવે છે. મારી આ લોકો સાથે લડવાની હિંમત નથી. મને જેલમાં જવું નથી. આવા એક નહીં હજારો લોકો ગભરાયેલા છે, એવો દાવો કરતાં તેમણે ઉમેર્યું હતું કે શિવસેના-એનસીપીના લોકો તેમની રીતે ગયા એવું તમને લાગે છે? ના, આ શક્તિએ લોકોના ગળા પકડીને તેમને ભાજપમાં સામેલ કર્યા છે. હું ચાર હજાર કિલોમીટર ચાલ્યો, ત્યારબાદ છ હજાર કિલોમીટર મણિપુરથી મુંબઈ, ધારાવી સુધી ચાલ્યો છું. મેં જે જોયું, જે સાંભળ્યું તે શબ્દોમાં વ્યક્ત કરી શકતો નથી, એમ રાહુલ ગાંધીએ કહ્યું હતું.
એ ભાજપ વિરુદ્ધ લડી રહ્યા છીએ. અમે બધા એક રાજકીય પક્ષ વિરુદ્ધ લડી રહ્યા છીએ એવું ચિત્ર ઉભું કરવામાં આવી રહ્યું છે અને લોકોને પણ એવું જ લાગી રહ્યું છે. પણ તે સાચું નથી. તે ખોટું છે. અમે રાજકીય પક્ષના વિરુદ્ધ નથી લડી રહ્યા. એક વ્યક્તિને ચહેરો બનાવીને બેસાડવામાં આવ્યો છે. હિંદુ ધર્મમાં એક શબ્દ છે. શક્તિ. અમે તે શક્તિના વિરોધમાં લડી રહ્યા છીએ. આ શક્તિ શું છે એવો સવાલ થઈ રહ્યો છે. આ એ શક્તિ છે જે દેશ ચલાવી રહી છે. મણિપુરમાં સિવિલ વોર કરાવનારી આ શક્તિ છે. પાર્ટીઓને તોડનારી આ શક્તિ છે. લોકોને ડરાવીને રાખનારી આ શક્તિ છે. 10 દિવસમાં ઈન્ટરનેશનલ એરપોર્ટ તૈયાર કરનારી આ શક્તિ છે. આ એ જ શક્તિ છે દેશ ચલાવે છે અને તેના હાથમાંથી કોઈ બચી શકશે નહીં.
કોઈએ કહ્યું કે રાજાનો આત્મા ઈવીએમમાં છે. સાચી વાત છે, રાજાનો આત્મા ઈવીએમમાં છે. ભારતની દરેક સંસ્થામાં છે. ઈડીમાં છે, આઈટીમાં છે. સીબીઆઈમાં છે, એમ રાહુલ ગાંધીએ કહ્યું હતું.