Assembly Election: MVAએ ચૂંટણીની તૈયારી શરૂ કરી, સમન્વય સમિતિમાં કોંગ્રેસના આ દિગ્ગજ નેતાનો સમાવેશ

મુંબઈ: Maharashtra Assembly Electionsને ધ્યાનમાં રાખીને મહાવિકાસ આઘાડી (એમવીએ) દ્વારા એક સમન્વય સમિતિની રચના કરવામાં આવી છે. આ સમન્વય સમિતિ ચૂંટણીને લગતા મહત્ત્વના નિર્ણયોને લઇ મહાવિકાસ આઘાડી (એમવીએ)ના ત્રણેય મુખ્ય પક્ષો વચ્ચે સમન્વય સાધવાનું કાર્ય કરશે. આ સમિતિમાં મહારાષ્ટ્ર કૉંગ્રેસના અધ્યક્ષ નાના પટોલે અને બાળાસાહેબ થોરાતનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
આ માટે દિલ્હીમાં ઑલ ઇન્ડિયા કૉંગ્રેસ કમિટીના મહાસચિવ કે. સી. વેણુગોપાલના નિવાસસ્થાને એક બેઠક યોજવામાં આવી હતી, જેમાં મહારાષ્ટ્રના ટોચના નેતાઓ હાજર રહ્યા હતા. આ બેઠકમાં મહારાષ્ટ્ર કૉંગ્રેસમાં વિધાનસભાની ચૂંટણી યોજાય ત્યાં સુધી કોઇ પણ ફેરફાર ન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જોકે, મહારાષ્ટ્ર કૉંગ્રેસના અધ્યક્ષ નાના પટોલે વિરુદ્ધ વધતી જતી નારાજગી અંગે શું નિર્ણય લેવામાં આવશે એ બાબતે કોઇ માહિતી મળી નહોતી.
લોકસભાના દેખાવના આધારે બેઠકોની વહેંચણી
દિલ્હીમાં યોજાયેલી બેઠકમાં વિધાનસભાની ચૂંટણી અંગે યોજના અને રણનીતિ અંગે ચર્ચા થઇ હતી. બેઠકોની વહેંચણી અંગે ત્રણેય પક્ષ સાથે મળીને ચર્ચા કર્યા બાદ નિર્ણય લેશે, તેમ નક્કી થયું હોવાનું જાણવા મળ્યું હતું. જોકે બેઠકોની વહેંચણી વખતે લોકસભાની ચૂંટણીમાં ક્યા પક્ષનો કેવો દેખાવ રહ્યો તે બાબતને ધ્યાનમાં રાખીને અંતિમ નિર્ણય લેવામાં આવશે. એટલે કે લોકસભાનું સંખ્યાબળ બેઠકોની વહેંચણીમાં મહત્ત્વની ભૂમિકા ભજવશે.
ક્રોસ વોટિંગ કરનારા પર કાર્યવાહી
મહારાષ્ટ્ર વિધાન પરિષદની ચૂંટણીમાં ક્રોસ વોટિંગ કરનારા કૉંગ્રેસના વિધાનસભ્યો પર કડક કાર્યવાહી કરવામાં આવશે, તેમ કે.સી.વેણુગોપાલે જણાવ્યું હતું. તેમણે દેશમાં પરિવર્તનનો માહોલ હોવાનું જણાવતા કહ્યું હતું કે દેશમાં 13 બેઠકો પર થયેલી પેટાચૂંટણીમાં ભાજપ ફક્ત બે જ બેઠક જીતી શકી હતી. તેનાથી દેશમાં માહોલ બદલાઇ રહ્યો હોવાનું સ્પષ્ટ થાય છે.
Also Read –