મહા વિકાસ આઘાડીથી છેડો ફાડ્યો સપાએ!
મુંબઇઃ હાલમાં યોજાયેલી મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં મહાવિકાસ આઘાડીનો પરાજય થયો હતો. જે બાદ હવે મહાવિકાસ અઘાડીના મિત્ર પક્ષે છોડવાનો નિર્ણય લીધો છે. વિધાનસભાનું વિશેષ સત્ર ચાલી રહ્યું છે, એવા સમયે મહાવિકાસ આઘાડીને પહેલા જ દિવસે મોટો ફટકો પડ્યો છે. મહાવિકાસ અઘાડીની સહયોગી સમાજવાદી પાર્ટીએ મહાવિકાસ આઘાડીનો સાથ છોડવાનું નક્કી કર્યું છે. શિવાજીનગર-માનખુર્દ વિધાનસભા મતવિસ્તારના વિધાન સભ્ય અબુ અસીમ આઝમીએ હાલમાં એક ઇન્ટરવ્યુમાં આ જાહેરાત કરી છે. મહારાષ્ટ્ર વિધાન સભાની ચૂંટણીમાં મહાવિકાસ આઘાડીનો પરાજય કેમ થયો? એ વિશે પણ અબુ આઝમીએ માંડીને વાત કરી છે.
આ પણ વાંચો : મુંબઈમાં આજથી ૧૦૦ દિવસની TB-મુક્તિ ઝુંબેશ
અબુ આઝમીએ જણાવ્યું હતું કે મહાવિકાસ આઘાડીમાં સંકલન નહોતું. કોઈપણ ચૂંટણીમાં એક મોરચા તરીકે સાથે મળીને સામનો કરતી વખતે સર્વસંમતિ જરૂરી છે. કોઈપણ પક્ષનો નેતા ચૂંટણી લડતો હોય તો તેને આપણો નેતા-ઉમેદવાર ગણવો જોઈએ, પરંતુ કોઈ સંકલન ન હતું, એમ અબુ આઝમીએ જણાવ્યું હતું.
આ વર્ષની ચૂંટણીમાં મહાવિકાસ આઘાડી કેમ હારી? એવા સવાલના જવાબમાં આઝમીએ જણાવ્યું હતું કે મહાવિકાસ આઘાડીના નેતાઓ એકબીજાના ઉમેદવારોના મંચ પર પ્રચાર કરવા દેખાયા ન હતા. આ ઉપરાંત બેઠકોની ફાળવણી દરમિયાન પણ સંઘર્ષ જોવા મળ્યો હતો. અબુ આઝમીએ કહ્યું હતું કે આવા બધા કારણોને લીધે મહાવિકાસ આઘાડીનો પરાજય થયો છે.
અબુ આઝમીએ શિવસેના અને ઉદ્ધવ ઠાકરેની ભૂમિકા અંગે પણ સવાલ ઉઠાવ્યા છે. વિધાન સભાની ચૂંટણી હાર્યા બાદ તેમણે જણાવ્યું હતું કે ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું હતું કે અમારો હિંદુત્વનો મુદ્દો કાયમ રહેશે. ઠાકરેએ તમામ ધર્મના લોકોને પોતાની સાથે લેવાનું વિચાર્યું ન હતું. તેમની આવી ભૂમિકા સામે અમારો વિરોધ છે. હવે કોંગ્રેસ અને એનસીપીએ નક્કી કરવાનું છે કે તેઓ શિવસેના સાથે રાખવા માંગે છે કે નહીં.
આ પણ વાંચો : પુણે-મુંબઈ એક્સપ્રેસવે પર નિયમો તોડ્યા તો ખેર નથી AI આધારિત નવી સિસ્ટમ વાહન પર નજર રાખશે
એમવીએએ વિધાનસભા ચૂંટણીના પરિણામ પર પણ શંકા વ્યક્ત કરી છે. એમવીએના નવા ચૂંટાયેલા વિધાન સભ્યોએ વિધાન સભ્ય પદના શપથ લીધા ન હતા. પરંતુ અબુ આઝમીએ વિધાનસભાના સભ્ય તરીકે શપથ લીધા છે. આથી વિધાનસભાની ચૂંટણી બાદ હવે મહાવિકાસ અઘાડીના બે ભાગલા પડી ગયા છે. અબુ આઝમી અને ભિવંડી પૂર્વ મતવિસ્તારના વિધાન સભ્ય રઈસ શેખે મહાવિકાસ અઘાડી છોડી દીધી હોવાથી મહાવિકાસ અઘાડી માટે તો દુકાળમાં અધિક માસ જેવો ઘાટ થયો છે.