એમવીએ સીટ શેરિંગ ફોર્મ્યુલાઃ મહારાષ્ટ્રમાં ‘મોટો ભાઈ’ કોણ?
શરદ પવાર જીદ મનાવવામાં સફળ થયા?
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: દેશમાં લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થતાંની સાથે જ બધા રાજકીય પક્ષોએ ચૂંટણી પ્રચારને તેજ બનાવી દીધો છે. આવી સ્થિતિમાં મહારાષ્ટ્રમાંથી બેઠકોની વહેંચણીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. મહારાષ્ટ્રમાં મહા વિકાસ આઘાડી (MVA) સાથી પક્ષો, શિવસેના-ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે (SS-UBT), કોંગ્રેસ અને NCP-શરદચંદ્ર પવાર (NCP-SP) લોકસભા ચૂંટણી માટે રાજ્યમાં બેઠકોની વહેંચણી પર સંમત થયા છે.
મહત્વની વાત એ છે કે શરદ પવાર ૧૦ બેઠક પર લડવાની જીદ પૂરી કરી શક્યા છે. બીજી તરફ ઉદ્ધવ ઠાકરે મુંબઈમાં છમાંથી પાંચ બેઠકો મેળવીને અને ૪૮ માંથી ૨૨ બેઠકો પર પોતાનો દાવો ઠોકીને મોટા ભાઈ સિદ્ઘ થયા છે. સત્તાવાર રીતે બેઠકોની વહેંચણી અંગેના અહેવાલને સમર્થન મળ્યું નથી, જ્યારે કોંગ્રેસે આ દાવાઓને નકારી કાઢ્યા છે.
આ પણ વાંચો
મહારાષ્ટ્રમાં નવાજૂનીના એંધાણ, શિંદે જૂથના વિધાનસભ્ય ઠાકરે જૂથમાં પરત ફરવાનો દાવો
કોણ કેટલી બેઠકો પર ચૂંટણી લડશે?
સૂત્રોના જણાવ્યા અનુસાર સીટ એલોટમેન્ટ માટે MVAની ફોર્મ્યુલા 22, 16 અને 10 છે. મહારાષ્ટ્રની 48 લોકસભા બેઠકોમાંથી SS-UBT 22 પર, કોંગ્રેસ 16 પર અને NCP-SP 10 બેઠકો પર ચૂંટણી લડશે.
ત્રણેય પક્ષોના જાણકાર સૂત્રોએ જણાવ્યું હતું કે, “MVA ના ત્રણ ભાગીદારો પ્રકાશ આંબેડકરની વંચિત બહુજન અઘાડી માટે પોતપોતાના ક્વોટામાંથી ઓછામાં ઓછી 4 બેઠકો અને રાજુ શેટ્ટીની આગેવાની હેઠળના સ્વાભિમાની શેતકરી સંગઠન માટે 1 બેઠક છોડવાના તમામ પ્રયાસો કરી રહ્યા છે.”
કૉંગ્રેસ કઈ બેઠક પર?
સૂત્રોના જણાવ્યા અનુસાર, કોંગ્રેસને જે 16 બેઠકો મળી છે તેમાં નાગપુર, ભંડારા-ગોંદિયા, ચંદ્રપુર, ગઢચિરોલી, રામટેક, અમરાવતી, અકોલા, લાતુર, નાંદેડ, જાલના, ધુળે, નંદુરબાર, પુણે, સોલાપુર, કોલ્હાપુર અને મુંબઈ ઉત્તરનો સમાવેશ થાય છે.
શરદ પવારની પાર્ટી ક્યાં?
આ સિવાય NCP-SPને 10 બેઠકો મળી છે, જેમાં બારામતી, શિરુર, બીડ, દિંડોરી, રાવેર, અહમદનગર, માઢા, સાતારા, વર્ધા અને ભિવંડીનો સમાવેશ થાય છે. NCP-SP માઢા સીટ પર રાષ્ટ્રીય સમાજ પક્ષ પાર્ટીના સંસ્થાપક મહાદેવ જાનકરને સમર્થન આપી શકે છે.
તમને જણાવી દઈએ કે, ગઈકાલે મુંબઈમાં રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાનું સમાપન થયું હતું. કોંગ્રેસે શિવાજી પાર્કમાં શક્તિ પ્રદર્શન કર્યું હતું. આ જાહેરસભામાં વિપક્ષના અનેક મોટા નેતાઓએ ભાગ લીધો હતો.
આ પણ વાંચો
MVAના સાથીપક્ષોની આજે બેઠક, પણ વંચિત બહુજન આઘાડીને આમંત્રણ નહીં
શિવસેના (UBT) ને કઈ બેઠક મળી?
શિવસેના-યુબીટીની 22 સીટોમાં રત્નાગીરી-સિંધુદુર્ગ, રાયગઢ, થાણે, કલ્યાણ, પાલઘર, નાસિક, શિરડી, જલગાંવ, માવળ, ધારાશિવ, પરભણી, સંભાજીનગર, બુલઢાણા, હિંગોલી, યવતમાળ, હાથકણંગલે, સાંગલી, મુંબઈ દક્ષિણ, મુંબઈ દક્ષિણ મધ્ય મુંબઈ ઉત્તર પશ્ચિમ, મુંબઈ ઉત્તર મધ્ય અને મુંબઈ ઉત્તર પૂર્વનો સમાવેશ થાય છે. પરંતુ શિવસેના-યુબીટી રાજુ શેટ્ટી માટે હાથકણંગલે સીટ છોડી શકે છે.