ઓ સાહેબો, હવે તો ઉમેદવારો જાહેર કરો, કાલે છેલ્લો દિવસ છે

મુંબઈઃ નાની નાની વાતોએ પોતાનાથી નાના નેતાઓનો ઉધરડો લેતા મોટા નેતાઓ પોતાના પક્ષના ઉમેદવારોના નામ પણ સમયસર જાહેર કરી શકતા નથી. મહારાષ્ટ્રની ચૂંટણી જાહેર થયાને એક અઠવાડિયું થઈ ગયું અને આવતીકાલે એટલે કે 29 ઑક્ટોબર, ઉમેદવારીપત્ર ભરવાનો છેલ્લો દિવસ છે, પરંતુ હજુ બન્ને મહાગઠબંધને 288 બેઠકના નામ જાહેર કર્યા નથી.
મહાયુતીની વાત કરીએ તો ભાજપ અને સાથી પક્ષોએ હજુ 53 બેઠક પર ઉમેદવાર જાહેર કરવાના બાકી છે. હજુ સુધી માત્ર 235 બેઠક પર જ નામ ઘોષિત કરી શકી છે જ્યારે મહાવિકાસ આઘાડી એટલે કે કૉંગ્રેસ અને સાથી પક્ષો 259 બેઠક પર ઉમેદવાર જાહેર કરી ચૂક્યા છે, હજુ 29 બેઠકની જાહેરાત બાકી છે.
આજે ઘણા મોટા નેતાઓ પોતાના ઉમેદવારીપત્ર ભરવાના છે, જેમાં ખુદ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને રાજ ઠાકરેના પુત્ર અમિત ઠાકરેનો સમાવેશ થાય છે, પરંતુ તમામ પક્ષના ટિકિટ ઈચ્છુકો નારાજ છે, કારણ કે પક્ષે નામ જ જાહેર કર્યા નથી અને કાલે છેલ્લો દિવસ છે.
ચૂંટણી પંચના ફોર્મ ઘણા જટિલ હોય છે અને નામાંકન માટે પણ તૈયારી કરવાની હોય છે. આ સાથે સમર્થકો પણ મુંઝવણમાં રહે છે. જોકે નેતાઓએ પોતાના પૂરતી તૈયારી રાખી હોય છે, પરંતુ બન્ને ગઠબંધનો હજુ સુધી 288 ઉમેદવાર અને તેમની બેઠકો પર સહમતી નથી બનાવી શક્યા, તે પાંચ વર્ષ સુધી સત્તા કઈ રીતે સંભાળશે તે જનતાએ સમજી જવાનું છે.