એમવીએનું મહારાષ્ટ્રનામા…
મહારાષ્ટ્રની પ્રગતિ અને વિકાસ માટેના પાંચ સ્તંભો ખેતી અને ગ્રામીણ વિકાસ, ઉદ્યોગ અને રોજગાર, શહેરી વિકાસ, પર્યાવરણ અને જન કલ્યાણ પર આધારિત
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ રવિવારે મહા વિકાસ આઘાડી (એમવીએ) માટેનો સંયુક્ત ચૂંટણી ઢંઢેરો બહાર પાડ્યો હતો, જેમાં રાજ્ય માટે કલ્યાણકારી પગલાંની શ્રેણીની રૂપરેખા આપવામાં આવી. મુંબઈમાં આયોજિત કાર્યક્રમમાં એમવીએના મુખ્ય નેતાઓની હાજરી જોવા મળી હતી જેમણે મહારાષ્ટ્ર માટે ‘પાંચ ગેરંટી’ તરીકે ઓળખાતા ચૂંટણી ઢંઢેરાની જાહેરાત માટે હાથ મિલાવ્યા હતા.
આ પણ વાંચો : મહાયુતિના સાથી પક્ષો મહારાષ્ટ્રની ચૂંટણી પછી સીએમ ચહેરા અંગે નિર્ણય લેશે: અમિત શાહ
કોંગ્રેસ, ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની શિવસેના (યુબીટી) અને શરદ પવારની આગેવાની હેઠળની એનસીપી (એસપી)ની બનેલી મહાવિકાસ આઘાડીએ રાજ્યના સામાજિક-આર્થિક લેન્ડસ્કેપને અસર કરતા મુખ્ય મુદ્દાઓને સંબોધવાનું વચન પોતાના મહારાષ્ટ્રનામા નામના ચૂંટણી ઢંઢેરામાં આપ્યું છે.
એમવીએ અને ભાજપની આગેવાની હેઠળના મહાયુતિ ગઠબંધન વચ્ચેની તીવ્ર રાજકીય સ્પર્ધા વચ્ચે એમવીએના મેનિફેસ્ટોની જાહેરાત કરવામાં આવી છે. આ પહેલાં ભાજપે પોતાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો હતો.
ચૂંટણી માટે ‘મહારાષ્ટ્ર નામા’ એમવીએના મેનિફેસ્ટોને લોન્ચ કરતાં ખડગેએ જણાવ્યું હતું કે મહારાષ્ટ્રની પ્રગતિ અને વિકાસ માટેના પાંચ સ્તંભો ખેતી અને ગ્રામીણ વિકાસ, ઉદ્યોગ અને રોજગાર, શહેરી વિકાસ, પર્યાવરણ અને જન કલ્યાણ પર આધારિત છે.
ખડગેએ કહ્યું હતું કે એમવીએ સરકાર જાતિ આધારિત વસ્તી ગણતરી હાથ ધરશે અને આરક્ષણ પરની 50 ટકાની મર્યાદાને દૂર કરશે જેમ કે તમિલનાડુમાં કરવામાં આવી છે.
શાસક મહાયુતિની ટીકા કર્યા પછી એમવીએ દ્વારા જાહેર કરાયેલી લોકપ્રિય યોજનાઓ પરના પ્રશ્ર્નોના જવાબમાં, ખડગેએ કહ્યું હતું કે, ‘અમને સરકાર આપો અને અમે તમને બજેટ આપીશું.
ભાજપની આગેવાની હેઠળની મહાયુતિ પર એમવીએની જીત રાજ્યની પ્રગતિ અને વિકાસ માટે મહત્વપૂર્ણ છે, એમ તેમણે જણાવ્યું હતું.
કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું કે કર્ણાટકમાં ગેરન્ટીના અમલીકરણ માટે રૂ. 52,000 કરોડનું બજેટ રાખવામાં આવ્યું છે અને બજેટ અને ખર્ચની વિગતો ઉપલબ્ધ છે.
‘અમે જૂઠું બોલ્યા નથી. જો તમે ગરીબોને મદદ કરવા માટે મક્કમ છો, તો તમને રસ્તા મળી જશે,’ એમ તેમણે કહ્યું હતું.
સુપ્રિયા સુળે અને કોંગ્રેસના પ્રદેશાધ્યક્ષ નાના પટોલેએ જણાવ્યું હતું કે, જો ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સમાં ખર્ચમાં વધારો અને ભ્રષ્ટાચારને રોકવામાં આવે તો પૂરતું ભંડોળ ઉપલબ્ધ થશે.
ખડગેએ નકારી કાઢ્યું હતું કે, મહાયુતિ સરકારની લાડકી બહેન યોજના જેવી કેટલીક લોકપ્રિય યોજનાઓ ફક્ત મતદારોને પ્રભાવિત કરવા માટે છે.
‘તે સામાજિક સુરક્ષા પ્રદાન કરવાની વિચારધારા દર્શાવે છે,’ એમ તેમણે કહ્યું હતું.
ખડગેએ જણાવ્યું હતું કે, રાજસ્થાનમાં અગાઉની અશોક ગેહલોત સરકાર દ્વારા શરૂ કરાયેલી યોજનાની જેમ દરેક પરિવારને રૂ. 25 લાખનું આરોગ્ય વીમા કવચ મળશે.
આ પણ વાંચો : ‘મહારાષ્ટ્રને 1 ટ્રિલિયન ઈકોનોમી બનાવીશું’ વિધાનસભા ચૂંટણી માટે ભાજપનું ‘સંકલ્પપત્ર’
મેનિફેસ્ટોમાં 9 થી 16 વર્ષની તમામ છોકરીઓ માટે મફત સર્વાઇકલ કેન્સરની રસી અને માસિક સ્રાવ દરમિયાન મહિલા કર્મચારીઓ માટે બે વૈકલ્પિક રજાના દિવસોનું વચન આપવામાં આવ્યું છે. તે તમામ ક્ષેત્રોમાં અલગ-અલગ-વિકલાંગ અને એલજીબીટીક્યુ વ્યક્તિઓ માટે તકો સુનિશ્ર્ચિત કરવા માટે સર્વસમાવેશક નીતિ ઘડવાનું પણ વચન આપવામાં આવ્યું છે.
મેનિફેસ્ટોમાં મુખ્ય વચનો:
મહાલક્ષ્મી યોજના હેઠળ મહિલાઓને મહિને 3,000 અને મફત બસની મુસાફરી.
જે ખેડૂતો તેમની લોન સમયસર ચૂકવે છે તેમને 50,000 રૂપિયા.
જાતિ આધારિત વસ્તીગણતરી અનેે અનામત પરની 50 ટકાની મર્યાદાને દૂર કરવા માટે પ્રતિબદ્ધતા.
બેરોજગાર યુવાનોને માસિક રૂ. 4000 સ્ટાઈપેન્ડ
રાજસ્થાનમાં અશોક ગેહલોત દ્વારા શરૂ કરાયેલી રૂ. 25 લાખની આરોગ્ય વીમા યોજના મહારાષ્ટ્રમાં પણ મફત દવાઓ સાથે લાગુ કરવામાં આવશે.