એમવીએની છઠ્ઠી નવેમ્બરે મુંબઈમાં રેલીઃ ચૂંટણી ઢંઢેરો જાહેર કરશે
મુંબઈ: મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી નજીકમાં છે ત્યારે મહાવિકાસ આઘાડીમાં સીટ શેરિંગ ફોર્મ્યુલા નક્કી કરવામાં આવ્યા પછી 90 ટકાથી વધુ બળવાખોરોને મનાવી લેવામાં આવ્યા છે. ત્યારે છઠ્ઠી નવેમ્બરે મુંબઈમાં મહાવિકાસ આઘાડી રેલી યોજશે.
મહાવિકાસ આઘાડી (એમવીએ) છઠ્ઠી નવેમ્બરે મુંબઈમાં સાથી પક્ષો સાથેની સંયુક્ત રેલી યોજશે જેમાં વિધાનસભાની ચૂંટણી માટેનો ચૂંટણી ઢંઢેરો જાહેર કરવામાં આવશે, એમ કૉંગ્રેસના એક વરિષ્ઠ નેતાએ જણાવ્યું હતું.
મહારાષ્ટ્ર કૉંગ્રેસના પ્રમુખ નાના પટોલેએ પત્રકારોને જણાવ્યું હતું કે છઠ્ઠી નવેમ્બરની સાંજે બાન્દ્રા-કુર્લા કૉમ્પ્લેક્સ (બીકેસી)માં એમવીએની રેલી યોજવામાં આવશે, જેમાં કૉંગ્રેસના પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે, પક્ષના નેતા રાહુલ ગાંધી, એનસીપી-એસપીના વડા શરદ પવાર અને શિવસેના-યુબીટીના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે પણ હાજરી આપશે.
આ પણ વાંચો…..મુંબઈમાં 161 પોલીસ ઈન્સ્પેક્ટરોની બદલી
રાહુલ ગાંધી છઠ્ઠી નવેમ્બરે મહારાષ્ટ્રની એક દિવસની મુલાકાતે આવવાના છે. તે દિવસે સવારે પહેલા તેઓ નાગપુરમાં ‘સંવિધાન બચાવો’ની બેઠકને સંબોધશે. ત્યાર બાદ તેઓ બીકેસીમાં એમવીએની રેલીમાં હાજરી આપશે, એમ પટોળેએ જણાવ્યું હતું.