વસઈના ઘરમાંથી ત્રણ જણના કોહવાયેલા મૃતદેહ મળ્યા
પાલઘર: વસઈ સ્થિત એક ઘરમાંથી રવિવારે ત્રણ જણના કોહવાયેલા મૃતદેહ મળી આવતાં પોલીસ તપાસમાં લાગી હતી.
અધિકારીના જણાવ્યા મુજબ વસઈ ખાતેની ચાલના રહેવાસીઓને રૂમમાંથી દુર્ગંધ આવતી હોવાનું જણાતાં પોલીસને જાણ કરાઈ હતી. માહિતી મળતાં જ માણિકપુર પોલીસ સ્ટેશનના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.
ચાલના બીજા માળે આવેલી રૂમમાંથી દુર્ગંધ આવી રહી હતી અને રૂમનો દરવાજો અંદરથી લૉક હતો. સાંજે પાંચ વાગ્યાની આસપાસ પોલીસે દરવાજો તોડતાં ત્રણ માણસના કોહવાયેલા મૃતદેહ મળ્યા હતા.
પોલીસે જણાવ્યું હતું કે મૃતકોની ઓળખ આઝમ, રાજુ અને ચિટકુ તરીકે થઈ હતી. ફળ વેચનારા ત્રણેય જણ એક જ રૂમમાં રહેતા હતા.
પ્રાથમિક તપાસમાં પોલીસને ગૅસગળતરને કારણે ત્રણેય જણે જીવ ગુમાવ્યા હોવાનું લાગી રહ્યું છે. જોકે મૃત્યુનું ચોક્કસ કારણ પોસ્ટમોર્ટમના અહેવાલ બાદ જાણી શકાશે, એમ અધિકારીનું કહેવું છે. પોલીસે ત્રણેયના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સરકારી હૉસ્પિટલમાં મોકલી આપી વધુ તપાસ હાથ ધરી હતી. (પીટીઆઈ)