ધુળેમાં ઘરમાંથી દંપતી, બે સંતાનના કોહવાયેલા મૃતદેહ મળ્યા

મુંબઈ: ધુળેમાં ઘરમાંથી ગુરુવારે દંપતી અને તેમના બંને સંતાનના કોહવાયેલા મૃતદેહ મળી આવતાં રહેવાસીઓમાં ખળભળાટ મચી ગયો હતો.
અહીંના પ્રમોદનગર વિસ્તારમાંની સમર્થ કોલોનીમાં ગુરુવારે સવારે 11 આ ઘટના પ્રકાશમાં આવી હતી. અહીંના બંગલોમાંથી તીવ્ર દુર્ગંધ આવી રહી હોવાની ફરિયાદ પડોશીઓએ કર્યા બાદ તેની જાણ પોલીસને કરવામાં આવી હતી.
ઘટનાસ્થળે દોડી આવેલી પોલીસ ટીમે બંગલોમાં તપાસ કરતાં અંદરથી પ્રવીણસિંહ ગિરાસે (53), તેની પત્ની દીપાંજલિ (47) અને બંને સંતાન મિતેશ (18) તથા સોહન (15)ના કોહવાયેલા મૃતદેહ મળી આવ્યા હતા.
પ્રવીણસિંહ ગિરાસે ગળાફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો, જ્યારે પત્ની અને બંને સંતાન જમીન પર મૃત અવસ્થામાં મળ્યાં હતાં. ઘટનાસ્થળેથી કોઇ સુસાઇડ નોટ મળી આવી નહોતી, એમ પોલીસ અધિકારીએ કહ્યું હતું.
પડોશીઓના જણાવ્યા અનુસાર છેલ્લા બે દિવસથી બંગલામાં કોઇ હિલચાલ જોવા મળી નહોતી. ચારેયના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા, જેમાં જાણવા મળ્યું હતું કે પત્ની અને બંને સંતાનને ઝેરી પદાર્થ આપવામાં આવ્યો હતો.
પ્રવીણસિંહ લમકાની ગામમાં દુકાન ચલાવતો હતો, જેમાં જંતુનાશક દવા વેચવામાં આવતી હતી, જ્યારે તેની પત્ની શિક્ષિકા હતી. દેવપુર પશ્ર્ચિમ પોલીસ સ્ટેશનમાં આ પ્રકરણે એડીઆર દાખલ કરવામાં આવ્યો હોઇ પ્રવીણસિંહે તેની પત્ની અને બંને પુત્રને ઝેરી પદાર્થ આપ્યા બાદ ગળાફાંસો ખાધો હોવાનું પોલીસને લાગી રહ્યું છે. (પીટીઆઇ)