મસ્જિદોમાં લાઉડસ્પીકર બાબતે મુસ્લિમ નેતાઓ અજિત પવારને મળ્યા

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુસ્લિમ નેતાઓના એક જૂથે બુધવારે મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારને મળીને એવી ફરિયાદ કરી હતી કે પોલીસ રાજ્યની મસ્જિદોમાંથી લાઉડસ્પીકર હટાવી રહી છે.
એનસીપીના નેતા નવાબ મલિકે જણાવ્યું કે તેમણે, એઆઈએમઆઈએમના ભૂતપૂર્વ વિધાનસભ્ય વારિસ પઠાણ, તેમની પાર્ટીના વિધાનસભ્ય અને પુત્રી સના મલિક, સમાજવાદી પાર્ટીના વિધાનસભ્ય અબુ અસીમ આઝમી અને અન્ય લોકો સાથે અજિત પવાર સાથે મુલાકાત કરી હતી.
ટીમે નાયબ મુખ્ય પ્રધાનને જણાવ્યું હતું કે ભાજપના નેતા કિરીટ સોમૈયા મસ્જિદોમાંથી લાઉડસ્પીકર હટાવવાની માગણી કરી રહ્યા છે અને પોલીસે તેમની ફરિયાદ પર કાર્યવાહી શરૂ કરી દીધી છે.
આ પણ વાંચો: મસ્જિદોમાંથી ગેરકાયદે લાઉડસ્પીકરો દૂર કરવાની માગણી માટે ભાજપના નેતા કિરીટ સોમૈયાએ વિરોધ પ્રદર્શન કર્યું
અજિત પવારે કહ્યું હતું કે જનતાએ બોમ્બે હાઈકોર્ટ દ્વારા નક્કી કરાયેલી ડેસિબલ મર્યાદાનું પાલન કરવું જોઈએ અને જો તેનું ઉલ્લંઘન થાય તો પોલીસે કાર્યવાહી પણ કરવી જોઈએ.
મુસ્લિમ નેતાઓએ કહ્યું કે મસ્જિદો હાઈકોર્ટ દ્વારા નક્કી કરાયેલી ડેસિબલ મર્યાદાનું પાલન કરતી હોવા છતાં પોલીસ લાઉડસ્પીકર હટાવી રહી છે.
આ પણ વાંચો: મુંબઈકરોને લાઉડસ્પીકરના ઘોંઘાટથી છુટકારો મળશે! હાઈ કોર્ટે સરકાર કડક નિર્દેશો આપ્યા
નવાબ મલિક, જેમની પાર્ટી શાસક મહાયુતિ ગઠબંધનમાં ભાજપ અને શિવસેનાનો ભાગીદાર છે, તેમણે કહ્યું કે લાઉડસ્પીકર્સ માટે દિવસ દરમિયાન પંચાવન ડેસિબલ અને રાત્રે પિસ્તાલિસ ડેસિબલ માન્ય છે. તેમણે ઉમેર્યું કે રાત્રે 10થી સવારે 6 વાગ્યા સુધી કોઈ પણ લાઉડસ્પીકરને મંજૂરી નથી.
એપ્રિલમાં કિરીટ સોમૈયાએ મુંબઈના મુલુંડ વિસ્તારમાં એક વિરોધ પ્રદર્શનનું નેતૃત્વ કર્યું હતું જેથી કેટલીક મસ્જિદોમાંથી ગેરકાયદે લાઉડસ્પીકરો દૂર કરવાની માગણી પર દબાણ લાવી શકાય, કારણ કે તેઓ ધ્વનિ પ્રદૂષણમાં ફાળો આપે છે.