માથે હિજાબ, ખભે ભગવો મુંબઇથી અયોધ્યા પગપાળા યાત્રાએ નીકળી મુસ્લિમ યુવતી

મુંબઇ: ખભા પર ભગવો ધ્વજ, પીઠ પર રામ મંદિરનો ફોટો આવા દ્રશ્યો આપણે આજકાલ રોજ જોઇ રહ્યાં છે. 22મી જાન્યુઆરીના રોજ અયોધ્યામાં ધામધૂમથી પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ યોજાશે અને એ સમારોહમાં ભાગ લેવા અનેક રામ ભક્તોએ પોત પોતાના શહેરમાંથી પગપાળા યાત્રા શરુ કરી દીધી છે. પણ અહીં જેની વાત થઇ રહી છે તેના ખભે ભગવો છે, પીઠ પર રામ મંદિરનો ફોટો છે અને સાથે સાથે માથે હિજાબ પણ છે.
આ યુવતી મુસ્લિમ છે જેનું નામ શબનમ છે, અને રામભક્તિમાં લીન આ યુવતી મુંબઇથી અયોધ્યા જવા નીકળી છે. લગભગ 1500 કિલોમીટરનું અંતર તે તેના બે મિત્રો સાથે પૂરું કરશે. અયોધ્યા જઇને પ્રભુ રામના દર્શન કરશે. મુંબઈથી પગપાળા યાત્રા કરનાર શબનમ શેખને જોઇને બધાને આશ્ચર્ય થઇ રહ્યું છે. અત્યાર સુધી શબનમ 250 કિલોમીટરનું અંતર કાપી નાસિક પહોંચી છે. મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ જો સમય આપે તો તેમને જરુરથી મળશે એમ શબનમે જણાવ્યું હતું.
શબનમ ભગવાન રામના દર્શન કરવા માંગ છે. તે પોતાને તનાતની મુસ્લિમ ગણાવે છે. તેની સુરક્ષા માટે મહારાષ્ટ્ર સરકારે ત્રણ મહિલા પોલીસ પણ તૈનાત કરી છે. શબનમને નાનપણથી જ રામાયણ માટે માન થયું હતું. તેણે મહાભારત સિરિયલ પણ આખી જોઇ છે.
રામાયણ અને મહાભારતની તેના જીવન પર ખૂબ મોટી અસર થઇ છે. તે પ્રભુ રામને પોતાનો આદર્શ માને છે. તેની આ અયોધ્યા યાત્રા માટે પરિવારજનોએ પણ સહકાર કર્યો છે. અયોધ્યામાં પ્રભુ રામના દર્શન કરી તે અયોધ્યાના ધન્નપૂરમાં બની રહેલી મસ્જિદની પણ તે મુલાકાત લેશે. આ માધ્યમથી પોતે બંને ધર્મમાં શ્રદ્ધાં રાખે છે એવો સંદેશ આપવા માંગે છે.