વરલીમાં પોલીસના ખબરીની હત્યા: સ્પાના માલિક સહિત ત્રણની ધરપકડ, બે તાબામાં
હત્યા માટે છ લાખ રૂપિયાની સુપારી અપાઇ હતી: પોલીસ
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: વરલી વિસ્તારમાં સ્પામાં પોલીસના ખબરી એવા રીઢા આરોપીની હત્યાના કેસમાં સ્પાના માલિક સહિત ત્રણ જણની ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે રાજસ્થાનના કોટાથી બે શકમંદને તાબામાં લેવામાં આવ્યા હતા. મૃતક વિવિધ માધ્યમથી ધમકાવીને હપ્તા વસૂલતો હોવાથી કંટાળીને સ્પાના માલિકે તેની હત્યા માટે રૂ. છ લાખની સુપારી આપી હતી, જેમાંથી રૂ. ચાર લાખ ચૂકવવામાં આવ્યા હતા, એવું તપાસમાં જણાયું હતું.
આ પણ વાંચો: ગેટવે ઓફ ઇન્ડિયા ખાતે દરિયામાં ઝંપલાવી હીરાવેપારીની આત્મહત્યા
વિલે પાર્લેમાં રહેતા ગુરુસિદ્ધપ્પા વાઘમારે (50)ની હત્યાના કેસમાં ધરપકડ કરાયેલા આરોપીઓની ઓળખ સંતોષ શેરેકર, મોહંમદ ફિરોઝ અન્સારી અને સાકીબ અન્સારી તરીકે થઇ હતી. સ્પાના માલિક સંતોષ શેરેકરની વરલી પોલીસે ધરપકડ કરી હતી, જ્યારે મોહંમદ ફિરોઝને નાલાસોપારાથી, જ્યારે સાકીબને રાજસ્થાનના કોટાથી ક્રાઇમ બ્રાન્ચે પકડી પાડ્યા હતા.
વરલી નાકા ખાતે આવેલા સોફ્ટ ટચ સ્પામાં વાઘમારે નિયમિત આવતો હોવાથી ત્યાંના કર્મચારીઓ તેને ઓળખતા હતા. 17 જુલાઇએ વાઘમારેનો જન્મદિવસ હતો અને સ્પાના કર્મચારીઓએ તેની પાસે પાર્ટી માગી હતી. આથી તે મંગળવારે અહીં આવ્યો હતો અને બાદમાં તે સ્પાના કર્મચારીઓ સાથે પાર્ટી કરવા સાયનની હોટેલમાં ગયો હતો.
આ પણ વાંચો: ભાંડુપમાં પતિની ગળું દબાવીને હત્યા: ગુમ પત્ની સામે શંકા
મોડી રાતે તેઓ સ્પામાં પાછા ફર્યા બાદ થોડો સમય પસાર કરીને બે કર્મચારી ત્યાંથી જતા રહ્યા હતા, જ્યારે વાઘમારે ત્યાં રોકાયો હતો. દરમિયાન બે અજાણ્યા શખસ સ્પામાં આવ્યા હતા અને તેમણે વાઘમારે પર શસ્ત્રના ઘા ઝીંકી તેની હત્યા કરી હતી. બીજે દિવસે સ્પામાં વાઘમારેનો હત્યા કરાયેલો મૃતદેહ મળી આવ્યો હતો. વરલી પોલીસે આ પ્રકરણે ગુનો દાખલ કરી સંતોષ શેરેકરની બુધવારે મોડી રાતે ધરપકડ કરી હતી. બીજી તરફ વાઘમારે સાયનની જે હોટેલમાં ગયો હતો ત્યાંના સીસીટીવી ફૂટેજ ક્રાઇમ બ્રાન્ચે તપાસ્યા હતા, જેમાં બે જણ સ્કૂટર પર જતા નજરે પડ્યા હતા. બંને જણે વરલી આવતી વખતે દુકાનમાંથી ગુટકા ખરીદ્યો હતો, જેના પૈસા ગૂગલપૅથી ચૂકવાયા હતા. ક્રાઇમ બ્રાન્ચે એ દુકાનમાંથી નંબર મેળવ્યો હતો, જે સાકીબનો હતો. એ નંબરનું લોકેશન મેળવીને કોટાથી સાકીબ સહિત ત્રણને પકડી પાડવામાં આવ્યા હતા.
વાઘમારેએ જાંઘ પર 20થી 22 લોકોનાં નામ ત્રોફાવ્યાં હતાં
મૃતક વાઘમારેએ તેની જાંઘ પર 20થી 22 લોકોનાં નામ ત્રોફાવી રાખ્યાં હતાં અને પોતાને કંઇ થાય તો આ લોકોની પૂછપરછ કરવામાં આવે એવું લખ્યું હતું. હત્યા બાદ વાઘમારેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલાયો ત્યારે તેની જાંઘ પર ત્રોફાવેલું લખાણ નજરે પડ્યું હતું. આમાં 20થી 22 લોકોનાં નામ ત્રોફાવેલાં હતાં તેમાં સ્પાના માલિક શેરેકરના નામનો પણ સમાવેશ હતો. બીજી તરફ વાઘમારે રોજ ડાયરી મેન્ટેન કરતો હતો. જો દિવસ સારો જાય તો તે લીલી બોલપેનનો તે ઉપયોગ કરતો હતો. જો દિવસ ખરાબ જાય તો લાલ અને દિવસ સાધારણ જાય તો બ્લ્યુ પેનનો તે ઉપયોગ કરતો હતો.