હત્યાકેસનો ફરાર આરોપી દસ વર્ષ બાદ મહેસાણાથી પકડાયો

મુંબઈ: નાગપાડા વિસ્તારમાં 44 વર્ષના શખસની હત્યાના કેસમાં દસ વર્ષથી ફરાર આરોપીને મુંબઈ ક્રાઇમ બ્રાન્ચે ગુજરાતના મહેસાણાથી ઝડપી પાડ્યો હતો. આરોપીની ઓળખ ઇમરાન સાબીર શેખ તરીકે થઇ હોઇ તેને વધુ તપાસ માટે નાગપાડા પોલીસને હવાલે કરાયો હતો.
નાગપાડામાં નયા નગર રોડ પરની મામસા સ્ટ્રીટ ખાતે 15 એપ્રિલ, 2015ના રોજ રિયાઝ હુસેન અબ્દુલ કુરેશી (44)ની તીક્ષ્ણ હથિયારથી ગળું ચીરી હત્યા કરવામાં આવી હતી. આ પ્રકરણે ગુનો દાખલ કરીને પોલીસે મોહંમદ વસીમ અકરમ શેખ અને સાજીઅલી આશિકઅલી ચૌધરીની ધરપકડ કરી હતી, જ્યારે ઇમરાન શેખ ફરાર થઇ ગયો હતો.
આ પણ વાંચો: માણસને રાક્ષસ સાબિત કરતી આ દસ ભયાનક હત્યાઓઃ પુરુષો નહીં મહિલાઓ પણ બની જાય છે જાનવર
નાગપાડા પોલીસ દ્વારા આરોપી ઇમરાન શેખની ઘણા સમયથી શોધ ચલાવાઇ રહી હતી. હાલમાં આરોપી ઇમરાન ગુજરાતના મહેસાણામાં નામ બદલીને રહેતો હોવાની માહિતી ક્રાઇમ બ્રાન્ચને મળી હતી. આથી પોલીસ ટીમ તેને પકડવા મહેસાણા રવાના થઇ હતી અને સિધપુરથી તેને તાબામાં લીધો હતો. તેણે પોતાનું નામ બદલીને મોહંમદ રાહીલ શેખ રાખ્યું હતું.