પાલિકાની ‘સ્વચ્છતા મંથન’ સ્પર્ધા

સેલિબ્રિટી, નાગરિકો અને હાઉસિંગ સોસાયટીઓને વિસ્તાર દત્તક લેવાની અપીલ
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકાએ ‘સ્વચ્છતા મંથન’ સ્પર્ધા ૨૦૨૬ની જાહેરાત કરી છે, જે પહેલી જાન્યુઆારીથી ૩૧ ડિસેમ્બર, ૨૦૨૬ સુધી સમગ્ર મુંબઈમાં ચાલશે. આ પહેલ હેઠળ પાલિકાએ સેલિબ્રિટીઓ, નાગરિકો અને હાઉસિંગ સોસાયટીઓને વિસ્તારો દત્તક લઈને શહેરને સ્વચ્છ રાખવા માટે સક્રિયપણે યોગદાન આપવાની અપીલ કરી છે. આ સ્પર્ધા માટે કુલ ૪.૨૦ કરોડ રૂપિયાનું ઈનામ રાખવામાં આવ્યું છે, જેમાં દરેક શ્રેણીમાં ટોચના વિજેતાઓને રોકડ ઈનામ અને સર્ટિફિકેટ આપવામાં આવશે.
આ સ્પર્ધા એડમિનિસ્ટ્રેટીવ વોર્ડ, રેસિડેન્શિયલ કૉમ્પ્લેક્સ, સ્કૂલ, ઝૂંપડપટ્ટી વિસ્તાર, કમર્શિયલ એસ્ટાબ્લિશમેન્ટ, હૉસ્પિટલ, રેસ્ટોરન્ટ, કમ્યુનિટી ટોઈલેટ, રસ્તા, બગીચા ખુલ્લી જગ્યાઓ, બજાર વિસ્તાર અને આસપાસના વિસ્તારોને દત્તક લેવા સહિત વિવિધ શ્રેણીઓમાં યોજાશે. સ્વચ્છ એડમિનિસ્ટ્રેટીવ વોર્ડ શ્રેણીમાં પહેલા, બીજા અને ત્રીજા સ્થાન માટે ૫૦ લાખ, ૨૫ લાખ અને ૧૫ લાખ રૂપિયાના ઈનામ આપવામાં આવવાના છે. જયારે અન્ય તમામ શ્રેણીઓમાં પહેલા, બીજા અને ત્રીજા સ્થાન માટે ૧૫ લાખ, ૧૦ લાખ અને પાંચ લાખ રૂપિયાનું ઈનામ છે.
પાલિકાના અધિકારીના જણાવ્યા મુજબ નાગરિકો સહિત ફિલ્મી હસ્તીઓ, રમતગમત અને અન્યક્ષેત્ર સાથે સંકળાયેલી પ્રખ્યાત હસ્તીઓને કોઈ પણ વિસ્તાર દત્તક લેવા અને સ્વચ્છતા જાળવી રાખીને અન્ય લોકોને તેમાં ભાગ લેવા માટે પ્રોત્સાહન આપવાની અપીલ કરવામાં આવી છે. હાઉસિંગ સોસાયટીઓને પણ આજુબાજુના વિસ્તારો દત્તક લઈને સ્વચ્છ રાખવાની અપીલ કરી છે.
આપણ વાંચો: રાજ્યમાં રોજ બાળકો ગુમ થાય છે: રાજ ઠાકરેએ મુખ્ય પ્રધાનને લખ્યો પત્ર



