ગેરકાયદે હૉર્ડિંગ્સ સામે પાલિકાની લાલ આંખ
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: હાઈ કોર્ટના આદેશ મુજબ મુંબઈ શહેર તેમ જ પૂર્વ અને પશ્ર્ચિમ ઉપનગરમાં સાર્વજનિક પરિસરમાં રસ્તાઓ તથા ફૂટપાથ પર ગેરકાયદે રીતે હૉર્ડિંગ્સ, બૅનર તથા પોસ્ટરો લગાવનારા સામે પાલિકાએ ફરી એક વખત આકરાં પગલાં લેવાની ચેતવણી આપી છે.
નાગરિકો, સામાજિક સંસ્થાઓ તેમ જ રાજકીય પક્ષોએ રસ્તા અને ફૂટપાથ પર પાલિકા પાસેથી અગાઉથી મંજૂરી લીધા વગર કોઈ પણ પ્રકારની જાહેરાત કરવી નહીં. એટલે
કે કોઈપણ પ્રકારના બૅનર, હૉર્ડિંગ્સ લગાવવા નહીં એવી ચોખ્ખા શબ્દોમાં
સ્પષ્ટતા પાલિકા પ્રશાસનને કરવી પડી છે. નિયમનું ઉલ્લંઘન કરનારા સામે કાયદેસરની કાર્યવાહી કરવાનો આદેશ પાલિકા કમિશનરે આપ્યો છે.
મુંબઈ મહાનગરપાલિકા તરફથી ગેરકાયદે હૉર્ડિંગ્સ, બૅનર તથા પોસ્ટરો કાઢવાની ઝુંબેશ સતત ચાલતી હોય છે. તેમ જ સંબંધિતોના વિરોધમાં કાર્યવાહી પણ કરવામાં આવતી હોય છે, સામાન્ય રીતે જુદા જુદા રાજકીય પક્ષોના નેતાઓ અને તેમના કાર્યકર્તાઓ દ્વારા મંજૂરી વગર ગેરકાયદે રીતે આવાં હૉર્ડિંગ્સ લગાડવામાં આવતા હોય છે, તેને કારણે શહેર કદરૂપું બનતું હોય છે. તેમ જ પાલિકાની આવકને પણ ફટકો પડતો હોય છે.
પાલિકા હવે તેથી આક્રમક થઈ ગઈ છે અને મંજૂરી વગર હૉર્ડિંગ્સ, બૅનર તથા પોસ્ટરો લગાવનારા સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવવાની છે. નિયમનો ભંગ કરનારા સંબંધિતો સામે ગુનો નોંધવામાં આવશે. તો કોર્ટમાં પણ કેસ દાખલ કરવા જેવી કાર્યવાહી કરવામાં આવશે એવું પાલિકાના ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું.