મુંબઈને સુંદર બનાવવા પાલિકા નિષ્ફળ
એક હજાર મેટ્રિક ટન સુધી કચરો વધ્યો
મુંબઈ: મુંબઈમાં વધી રહેલા પ્રદૂષણને રોકવા માટે પાલિકા ગમે તેટલી ભાગંભાગ કરે, પણ નિષ્ફળતા જ હાથ લાગી છે. આ જ કારણથી મુંબઈમાં દિવસે ને દિવસે કચરાનું પ્રમાણ વધતું ચાલ્યું છે. એક દિવસમાં કચરાનું પ્રમાણ અધધધ એક હજાર મેટ્રિક ટન સુધી વધ્યું હોવાથી સ્થિતિ ચિંતાજનક બની ગઇ હોવાનું સામે આવ્યું છે. છેલ્લાં અનેક વર્ષમાં પાલિકાના માધ્યમથી કરવામાં આવેલી ઉપાયયોજનાને કારણે કચરાનું પ્રમાણ સાતથી સાડાસાત હજાર મેટ્રિક ટનથી ઘટીને સાડાપાંચ-છ હજાર મેટ્રિક ટન થઇ ગયું હતું. જોકે મુંબઈમાં હવે ફરીથી દરરોજ છથી સાત હજાર મેટ્રિક ટન કચરો જમા થવાની શરૂઆત થઇ ગઇ છે. જોકે પાલિકાનું કહેવું છે કે વેસ્ટ મેનેજમેન્ટ બાબતે કોર્ટે સોસાયટીની અરજીને ધ્યાનમાં લઇને સ્ટે આપતાં કચરાનું પ્રમાણ વધ્યું છે, એટલે કાયદામાં ફેરફાર કરવાની જરૂર છે.
પાલિકાએ બીજી ઓક્ટોબર, ૨૦૧૭થી સોસાયટીઓમાં કચરાનું મેનેજમેન્ટ કરવું બંધનકારક કર્યું હતું. આમાં ૨૦ હજાર ચોરસ મીટરથી મોટી હાઉસિંગ સોસાયટીઓ
અને ૧૦૦ કિલોથી વધુ કચરો થતો હોય એવી બિલ્ડિંગોમાં ભીના કચરાનો નિકાલ કરવાનું બંધનકારક કરવામાં આવ્યું હતું. તે અનુસાર મુંબઈમાં અંદાજે સાડાચાર હજાર સોસાયટી પૈકી ઓછામાં ઓછી ૨૦ ટકા સોસાયટીઓએ વિસ્તારમાં ભીના-સૂકા કચરાનું મેનેજમેન્ટ કરવાની શરૂઆત કરી દીધી હતી. કચરાનો નિકાલ ન કરનારી સોસાયટી વિરુદ્ધ પાલિકાએ દંડ અને કાયદેસર કાર્યવાહી કરવાની શરૂઆત કરી હતી. જોકે પાલિકાની કાર્યવાહી વિરુદ્ધ અમુક સોસાયટીએ કોર્ટનાં દ્વાર ખટખટાવતાં મુંબઈ પાલિકાના કાયદા ૧૮૮૮ અનુસાર પાલિકાને સોસાયટીઓને વેસ્ટ મેનેજમેન્ટ કરવું બંધનકારક કરી ન શકે એવું કોર્ટે સ્પષ્ટ કર્યું હતું. હવે જે ૨૦ સોસાયટીઓ વેસ્ટ મેનેજમેન્ટ કરતી હતી એણે પણ કચરાના નિકાલ કરવાનું બંધ કરી દીધું છે. આને કારણે કચરાનું પ્રમાણ વધી ગયું હોવાનું પાલિકાએ જણાવ્યું હતું.
પાલિકા હાલ કઇ ઉપાયયોજના કરી રહી છે
પાલિકા તરફથી નિયમિતપણે કચરો ઊંચકવામાં આવી રહ્યો છે, પણ હાલમાં ભીનો કચરો ઉઠાવવા માટે ૧૨૦ ગાડી, જ્યારે સૂકો કચરો ઉઠાવવા માટે ૯૪ ગાડી વિવિધ વોર્ડમાં કાર્યરત હોવાનું સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગે જણાવ્યું હતું. આ ઉપરાંત આગામી સમયમાં વેસ્ટ મેનેજમેન્ટને પ્રોત્સાહન આપવા માટે કચરાનું વર્ગીકરણ, ભીના કચરામાંથી ખાત બનાવવું, સૂકા કચરાનો નિકાલ અને યોગ્ય પાણીના વપરાશ જેવી ઉપાયયોજના કરવામાં આવશે.
કાયદામાં ફેરફાર કરવાની જરૂર
કોવિડને કારણે શહેરમાં કચરાનું પ્રમાણ ઓછું થયું હતું. જોકે ત્યાર બાદ પાલિકા પ્રશાસન તરફથી વેસ્ટ મેનેજમેન્ટ તરફ દુર્લક્ષ સેવવામાં આવતાં મુંબઈમાં કચરાનું પ્રમાણ વધી ગયું હોવાનું કહેવાઈ રહ્યું છે. એવામાં કોર્ટે પણ કાર્યવાહીને સ્ટે આપતાં પાલિકા કાયદામાં બદલાવ કરીને મેનેજમેન્ટ કરવું બંધનકારક કરવાનો પ્રયાસ કરી રહી હોવાની માહિતી સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ તરફથી આપવામાં આવી હતી.
હેલ્પલાઈન પર દરરોજ સેંકડો ફરિયાદો
મુંબઈની સ્વચ્છ-સુંદર બનાવવા માટે મુખ્ય પ્રધાન સ્વચ્છ મુંબઈ વ્હોટ્સએપ હેલ્પલાઈન શરૂ કરવામાં આવી છે.
આમાં ૮૧૬૯૬૮૧૬૯૭ નંબર પર આખા દિવસમાં આવેલી ફરિચાદ બાબતે આઠ કલાકમાં, જ્યારે રાતના સમયે ફરિયાદ આવેલી હોય એ અંગે એછોમાં ઓછા ૧૨ કલાકમાં કાર્યવાહી કરવામાં આવે છે. આમાં ૭મી જૂનથી શરૂ કરવામાં આવેલી પ્રવૃત્તિમાં અંદાજે ૬૮૦૮ ફરિયાદ
આવી હતી.