મુંબઈની બજારોની પાલિકા કરશે કાયાપલટ
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકાએ તેની માલિકી બજારોની કાયાપલટ કરવાનો નિર્ણય લીધો છે. પોતાની માલિકી ૯૨ બજારમાંથી પહેલા તબક્કામાં શહેરની ચાર વેજીટેબલ એન્ડ ફીશ માર્કેટનું નૂતનીકરણ કરવામાં આવશેે, તે માટેનો અભ્યાસ કરવા માટે ક્ધસલ્ટન્ટ નીમવાની છે.
પહેલા તબક્કામાં પાલિકા દક્ષિણ મુંબઈની ચાર બજારને નવેસરથી બનાવવાની છે. બજારમાં કયા પ્રકારના સુધારા અને સમારકામ અને નવું કામ કરવાની આવશ્યકતા છે, તેનો અભ્યાસ કરવા અને એક્શન પ્લાન બનાવવા આવશે. આ પ્રોજેક્ટને ડિસ્ટ્રિક્ટ પ્લાનિંગ ડેવલપમેન્ટ કમિટી પાસેથી ૫૦ ટકા ફંડ મળે એવી શક્યતા છે.
મુંબઈના પાલક પ્રધાન દીપક કેસરકરે ગયા મહિને દક્ષિણ મુંબઈની અમુક બજારોની મુલાકાત લીધી હતી. એ દરમિયાન તેમણે બજારના ગાળાધારકો સાથે વાતચીત કરીને તેમની સમસ્યા જાણી હતી. બજારમાં કયા પ્રકારની સુવિધા ઊભી કરવી તેને લગતી માહિતી મેળવ્યા બાદ પાલિકા અધિકારીઓને તે મુજબની સૂચના પણ આપી હતી. એ મુજબ પાલિકાએ હવે માર્કેટની કાયાપલટ કરવા માટે ચાર ક્ધસલ્ટન્ટ નીમવાની છે. તેનો રિપોર્ટ આવતા અઠવાડિયા સુધી આવે એવી શક્યતા છે.
પાલિકાના માર્કેટ વિભાગના ઉચ્ચ અધિકારીના જણાવ્યા મુજબ પાલિકાની અસ્તિત્વમાં રહેલી બજારોનું નૂતનીકરણ કરવામાં આવશે. જેમાં સાર્વજનિક શૌચાલયની વ્યવસ્થા, ગાળાધારકો માટે બેસવાની વ્યવસ્થા, માછલી અને માંસની વાસ રોકવા માટે તે વિભાગ ઍરકંડિશન્ડ બનાવવામાં આવશે. મહિલા વિક્રેતાઓને ધ્યાનમાં રાખીને પાલિકાની માર્કેટમા મહિલાઓ માટે શૌચલાય હશે. એ સિવાય શાકભાજી, કરિયાણા, મસાલા માટે અલગ અલગ વિભાગ હશે તો માંસ, માછલી માટે એસી સેકશન હશે.
પાલિકાની અધિકારીના જણાવ્યા મુજબ ક્ધસલ્ટન્ટ નીમ્યા બાદ તેઓ પોતાની ડિઝાઈન સબમીટ કરશે, ત્યારબાદ પ્લાનમાં કોઈ સુધારા અથવા વધારાની આવશ્યકતા જણાયા તો તે મુજબ કરવામાં આવશે. ત્યારબાદ પાલિકા કમિશનર ઈકબાલસિંહ ચહેલને તે મંજૂરી માટે મોકલવામાં આવશે. આ પ્રોજેક્ટમાં ૫૦ ટકા ખર્ચ પાલિકા અને ૫૦ ટકા ખર્ચ ડિસ્ટ્રિક્ટ પ્લાનિંગ ડેવલપમેન્ટ કમિટી કરશે.