પાલિકાને મલબાર હિલ જળાશયના સમારકામ માટે આઈઆઈટીની મંજૂરીની રાહ
મુંબઈ: મલબાર હિલ જળાશયનું સમારકામ અથવા તબક્કા વાર તેનું પુન: નિર્માણ શક્ય છે કે કેમ તે ચકાસવા માટે પાલિકા દ્વારા નિમણૂક કરાયેલી આઠ-દસ સભ્યની નિષ્ણાત સમિતિના ચાર સભ્યોએ વચગાળાનો અહેવાલ રજૂ કર્યાના એક અઠવાડિયા બાદ પાલિકાએ જણાવ્યું હતું કે તેને આ અંગે આઆઈટીમાંથી અંતિમ ભલામણની જરૂર છે. આઠ સભ્યોની સમિતિમાંથી ચાર સભ્ય આઈઆઈટીના છે. જોકે એમાંથી એક જ સભ્યએ સહી કરી છે. અન્ય ચાર સભ્યો સ્ટ્રક્ચરલ એન્જિનિયર, આર્કિટેક્ટ અને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર છે.
અમને આઈઆઈટી તરફથી અંતિમ અહેવાલ અને ભલામણની જરૂર છે. સમિતિના સભ્યો ચર્ચા કરી શકે છે. આખરે તો આઈઆઈટી જ ભલામણ કરી શકે છે અને તેને બાદમાં વ્યવહારિક રીતે અમલમાં મૂકી શકાય છે, એવું પાલિકાના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું. દરમિયાન વચગાળાના અહેવાલની ચર્ચા કરવા માટે પેનલ આ અઠવાડિયે મળવાની છે. સમિતિએ ૮મી જાન્યુઆરીએ તેનો વચગાળાનો અહેવાલ પાલિકાને સુપરત કર્યો હતો.
મલબાર હિલ જળાશય મુંબઈની મહત્ત્વપૂર્ણ હેરિટેજ સંપત્તિઓમાંની એક છે. તેની હાલની સ્થિતિ સલામત છે, પણ આ જળાશય સુવ્યવસ્થિત રહે એ માટે નાના સમારકામની જરૂર છે, જેને કારણે એ લાંબા સમય સુધી જાળવી શકાય છે. પાલિકાના અધિકારીએ આ અંગે વધુમાં માહિતી આપતાં જણાવ્યું હતું કે પાલિકા દ્વારા તબક્કા વાર પુન: નિર્માણ પ્રોજેક્ટમાં એવી રીતે આયોજન કરવામાં આવ્યું છે કે રહેવાસીઓનો પાણીપુરવઠો જાળવી રાખી શકાશે.
આ અંગે કમિટીના એક સભ્યએ કહ્યું હતું કે શરતોમાં એવું નથી કહ્યું કે તેને ખાસ કરીને આઈઆઈટી તરફથી કોઇ અહેવાલની જરૂર છે, પણ કમિટીના અહેવાલની જરૂર છે. જેમાં આઠ સભ્યોનો સમાવેશ થાય છે. શરતોમાં એવું પણ જણાવાયું છે કે આઈઆઈટી કોઇ પણ પગલાં લેવા યોગ્ય અહેવાલ સૂચવી શકે છે અને તેણે ક્યાંય એવું જણાવ્યું નથી કે અન્ય નિષ્ણાત સમિતિના સભ્યોના અભિપ્રાયો માન્ય નથી, એવું એક સભ્યએ જણાવ્યું હતું.