આમચી મુંબઈ

પ્રદૂષણ ફેલાવતી ફેક્ટરીઓ સામે પાલિકાના કડક પગલાં: ૪૭ એકમને તાળાં

મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકા દ્વારા હવામાં ફેલાતા પ્રદૂષણ અંગે જારી કરવામાં આવેલી માર્ગદર્શિકાના કડક પાલન અંગે ડેવલપરોને ચેતવણી આપતી અને કારણ દર્શક નોટિસો જારી કરવામાં આવ્યા એના થોડા દિવસો પછી શહેરની હવા પ્રદૂષિત કરતી ફેક્ટરીઓ સામે પાલિકાએ કડક પગલાં લેવાનું શરૂ કરી દીધું છે. મહારાષ્ટ્ર પોલ્યુશન કંટ્રોલ બોર્ડના સહયોગમાં પાલિકાના એલ વોર્ડ દ્વારા ૬૬ ગેરકાયદે ફેક્ટરીઓ ઓળખી કાઢવામાં આવી છે. આ ફેક્ટરીઓ ધાતુ ગાળવાનું તેમજ લાકડા અને કોલસા બાળવાનું કામ કરતી હતી જેને પગલે ઝેરી વાયુ, ધુમાડો હવામાં ભળતા આરોગ્ય અંગેની સમસ્યાઓ નિર્માણ કરે છે. એમાંની પવઈ, નહાર ગામ અને સાકીનાકા વિસ્તારના ખૈરાની માર્ગ પર આવેલી ૪૭ ફેક્ટરીઓ બંધ કરાવી દેવામાં આવી છે. ફેક્ટરી એક્ટની ૩૯૦મી કલમ હેઠળ પાલિકાએ પ્રદૂષિત એકમો વિરુદ્ધ પગલાં લેવામાં આવ્યા છે. પ્રદૂષણ ઘટાડવા પાલિકાએ સૌપ્રથમ પહેલી એપ્રિલે ઘોષણા કરી ત્યારથી એલ વોર્ડના આ એકમ પાલિકાની નજરમાં હતા. આ એકમોના વીજ જોડાણ કાપી નાખવા માટે સંબંધિત વીજ કંપનીને જણાવી દેવામાં આવ્યું છે.

પ્રદૂષણ ડામવા પુણે, થાણેમાં ઈ-રિક્ષાનો પ્રોજેક્ટ હાથ ધરાશે
થાણે: પુણે અને પિંપરી ચિંચવડમાં સૌથી વધુ વાહનો છે. થાણે શહેરમાં વાહનોની સંખ્યા પણ વધુ છે. પીએમપીએમએલની બસ સાથે રિક્ષા પણ પુણે શહેરના લોકોે માટે એક મહત્વપૂર્ણ વાહન-વ્યવહાર છે. પુણે વિસ્તારમાં ઓલા, ઉબેર રિક્ષાનો પણ વ્યાપક ઉપયોગ થાય છે. રાજ્ય સરકારે આ શહેરમાં રિક્ષાને લઈને મહત્વનો નિર્ણય લીધો છે. સરકાર આ બંને શહેરોમાં ઈ-રિક્ષા શરૂ કરવા જઈ રહી છે. તેનાથી આ શહેરોમાં પ્રદૂષણ પણ ઘટશે. પુણે શહેરમાં પ્રદૂષણ એક મોટી સમસ્યા છે. આ બંને શહેરો માટે આ એક પાયલોટ પ્રોજેક્ટ હશે. સરકાર દ્વારા ટૂંક સમયમાં રાજ્યના મુખ્ય શહેરોમાં મુખ્ય પ્રોજેક્ટ ‘ઈ-રિક્ષા’ શરૂ કરવામાં આવશે. વાયુ પ્રદૂષણને ઘટાડવા માટે ઈ-રિક્ષા એક મહત્ત્વપૂર્ણ પ્રોજેક્ટ બનશે, જેના લીધે પ્રદુષણ નિયંત્રણ સાથે લોકો સસ્તી મુસાફરી પણ કરી શકશે. સૂત્રો અનુસાર ઈ-રિક્ષા પ્રોજેક્ટ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના થાણે શહેર અને પુણેના પિંપરી ચિંચવડથી શરૂ કરવામાં આવશે. થાણે અને પિંપરી ચિંચવડમાં નોંધાયેલી રિક્ષાઓને બદલે સરકાર દ્વારા ઈ-રિક્ષા આપવામાં આવશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button