BMCએ બોરીવલીના પાર્કમાં ગુજરાતી ભાષાની નેમપ્લેટ બદલ પોયસર જીમખાનાને નોટિસ ફટકારી
મુંબઇઃ બોરીવલીમાં પાલિકાના સ્વાતંત્ર્ય વીર સાવરકર પાર્કની સામે ગુજરાતી ભાષામાં નામનું બોર્ડ લગાવવામાં આવ્યું છે. આ અંગે શહેરીજનોએ ટીકા કરતાં જ મહાનગરપાલિકા પ્રશાસન સફાળું જાગ્યું હતું અને આગામી બે દિવસમાં ગુજરાતી નેમપ્લેટ હટાવવાનો આદેશ કર્યો હતો. આ સંદર્ભે પાર્કની જાળવણી માટે જવાબદાર સંસ્થાને નોટિસ ફટકારવામાં આવી છે.
પોયસર જીમખાના છેલ્લા કેટલાક વર્ષોથી બોરીવલીમાં સ્વાતંત્રવીર સાવરકર ઉદ્યાનની જાળવણી કરે છે. પાર્કમાં જાળવણી, સમારકામ અને અન્ય કામગીરી આ સંસ્થા દ્વારા કરવામાં આવે છે. સંસ્થાએ પાર્કની મધ્યમાં મરાઠીમાં અને બીજી બે બાજુ અંગ્રેજી અને ગુજરાતીમાં નામનું બોર્ડ લગાવ્યું છે. કેન્દ્રના ત્રણ ભાષાના સૂત્ર મુજબ, હિન્દી અને અંગ્રેજી સાથે પ્રાદેશિક ભાષા હોવી ફરજિયાત છે, તેથી પાર્કમાં મરાઠી, અંગ્રેજી અને હિન્દી ભાષાનો સમાવેશ કરવો જરૂરી છે, એમ નાગરિકોનું કહેવું છે.
પાર્કમાં જાણી જોઈને ગુજરાતી ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનો નાગરિકોનો આક્ષેપ છે. બોરીવલીમાં ભૂતકાળમાં ઘણી એવી ઘટનાઓ બની છે જેમાં મરાઠી ભાષા કરતાં ગુજરાતી ભાષાને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. બોરીવલી, કાંદિવલી અને મલાડ વિસ્તારમાં ઘણા વર્ષોથી ગુજરાતીનો વ્યાપક ઉપયોગ થઈ રહ્યો છે.
સ્થાનિક રહેવાસી પ્રસાદ ગોખલેએ આક્ષેપ કર્યો હતો કે ઘણા રસ્તાઓ, રેલવે સ્ટેશનો પર નોટિસો અને ખાણીપીણીની વસ્તુઓના નામમાં જાણી જોઈને ગુજરાતીને પ્રાધાન્ય આપવામાં આવે છે.
છેલ્લા અઢાર વર્ષથી આ પાર્કમાં ગુજરાતીમાં નેમપ્લેટ છે. જોકે, હવે અચાનક મહાનગરપાલિકા તરફથી નોટિસ આવી છે. ટૂંક સમયમાં જ ગુજરાતી ભાષામાં આવેલી નેમપ્લેટ હટાવી દેવામાં આવશે તેમ પોયસર જીમખાના સાથે સંકળાયેલા પાર્કના પ્રમુખ નીતિન પ્રધાને જણાવ્યું હતું.