પાલિકાના કમિશનર પછી હવે ચહલની સીએમના Additional Chief Secretary તરીકે નિમણૂક
મુંબઈઃ મહારાષ્ટ્ર સરકાર દ્વારા ચૂંટણી પંચના નિર્દેશ પર વરિષ્ઠ આઈએએસ અધિકારી ઈકબાલ સિંહ ચહલની મુંબઈ મહાપાલિકામાંથી બદલી કર્યા બાદ આજે મુખ્ય પ્રધાન કાર્યાલયમાં એડિશનલ ચીફ સેક્રેટરી (Additional Chief Secretary) તરીકે નિમણૂક કરવામાં આવી છે.
ચહલની નવી પોસ્ટિંગ અંગેનો સત્તાવાર આદેશ અહીં જારી કરવામાં આવ્યો હતો. ભારતના ચૂંટણી પંચે ૧૬ માર્ચે લોકસભા ચૂંટણીના સમયપત્રકની જાહેરાત થતા રાજ્ય સરકારને ચહલને મુંબઈ મ્યુનિસિપલ કમિશનરના પદ પરથી ટ્રાન્સફર કરવા કહ્યું હતું કારણ કે તેમણે તે પદ પર ત્રણ વર્ષથી વધુ સમય પૂરો કર્યો હતો.
બુધવારે સીએમઓમાં તત્કાલિન એસીએસ, ભૂષણ ગગરાણીને બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના નવા કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.
ચહલ, ૧૯૮૯-બેચના આઈએએસ અધિકારી છે, તેઓ હવે મુખ્ય પ્રધાનના કાર્યાલયમાં એસીએસ તરીકે ગગરાણીના સ્થાને આવ્યા છે. પી વેલરાસુ, ૨૦૦૨ બેચના આઈએએસ અધિકારીને બે દિવસ પહેલા ચૂંટણી પંચના નિર્દેશ પર મુંબઈના વધારાના મ્યુનિસિપલ કમિશનર (પ્રોજેક્ટ્સ) તરીકે ખસેડવામાં આવ્યા હતા, તેમને મંત્રાલય (રાજ્ય સચિવાલય) માં સામાજિક ન્યાય વિભાગમાં સચિવ તરીકે મૂકવામાં આવ્યા છે.