મુંબઈમાં પ્રદૂષણ નિયંત્રણમાં હોવાનો પાલિકા કમિશનરનો દાવો

૪૮૨ બાંધકામને શો કોઝ નોટિસ: ૨૬૪ને સ્ટોપ વર્કની નોટિસ
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ધૂળ અને પ્રદૂષણને નિયંત્રણમાં રાખવા માટે અમલમાં મૂકેલી ઉપાયયોજનાને કારણે છેલ્લા ૪૮ કલાકમાં મુંબઈની હવાની ગુણવત્તામાં સુધારો થયો હોવાનો દાવો મુંબઈ મહાનગરપાલિકાએ કર્યો છે.
પાલિકાએ સોમવારે સ્પષ્ટતા કરી હતી કે ગંભીર વાયુ પ્રદૂષણને રોકવા માટેના કડક પગલાં ગ્રેડેટ રિસ્પોન્સ એક્શન પ્લાન સ્ટેજ-૪ (ગ્રેપ-૪) ને હાલ અમલમાં મૂકવામાં આવ્યો નથી પણ પાલિકા અધિકારીઓએ હવાની ગુણવત્તાને નિયંત્રણમાં રાખવા માટે દેખરેખ વધુ આકરી બનાવી છે. આ દરમ્યાન વાયુ પ્રદૂષણને રોકવા માટે બહાર પાડેલી ગાઈડલાઈનનું ઉલ્લંઘન કરવા માટે મુંબઈના ૪૮૨ બાંધકામને કારણ દર્શાવો નોટિસ આપવામાં આવી છે, તેમાંથી ૨૬૪ બાંધકામને સ્ટોપ વર્કની નોટિસ ફટકારવામાં આવી છે.
નવેમ્બરમાં મઝગાંવ, દેવનાર, મલાડ, બોરીવલી પૂર્વ, અંધેરી, નેવી નગર, કોલાબા, પવઈ જેવા વિસ્તારોમાં હવાની ગુણવત્તા નબળી નોંધાઈ હતી, જોકે છેલ્લા બે દિવસથી મુંબઈમાં હવાની ગુણવત્તામાં હળવો સુધારો નોંધાયો હોવાનો દાવો પાલિકાએ કર્યો છે. પાલિકા કમિશનર ભૂષણ ગગરાણીએ જણાવ્યું હતું કે ધૂળ અને પ્રદૂષણને નિયંત્રણમાં લાવવા ૨૮ મુદ્દા સાથેની ગાઈડલાઈનનું ઉલ્લંઘન કરનારી ક્ધસ્ટ્રકશન સાઈટ સામે આકરા પગલા લેવાનો નિર્દેશ આપ્યો છે.
પાલિકાના ઉચ્ચ અધિકારીના જણાવ્યા મુજબ પવનોની દિશામાં ફેરફાર અને પવન ફૂંકાવાની ગતિ ઝડપી થવાની સાથે જ ધૂળ અને પ્રદૂષણને નિયંત્રણમાં રાખવા માટેની ગાઈડલાઈન મુજબ પ્રદૂષણ ફેલાવનારી ક્ધસ્ટ્રકશન સાઈટને નોટિસ, પાણીનો છંટકાવ, રસ્તા ધોવા, જનજાગૃતિ અભિયાન અને બેકરીઓ તથા સ્મશાનમાં સ્વચ્છ ઈંધણનો ઉપયોગ કરવાના પગલા અમલમાં મૂકવામાં આવતા છેલ્લા ૪૮ કલાકમાં મુંબઈનો એર ક્વોલિટી ઈન્ડેક્સમાં સુધારો નોંધાયો છે. પવન અગાઉ જે ૩-૪ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતો હતો અને તેમાં ભેજ રહેતો હતો, તે હવે પવનની ઝડપ વધીને ૧૦-૧૮ પ્રતિ કલાક થઈ ગઈ છે.
પ્રદૂષણમાં ઘટાડવા માટે નજર રાખતી ૯૪ વોર્ડ સ્તરીય ફ્લાઈંગ સ્કવોડ દ્વારા ૪૪૮ ક્ધસ્ટ્રકશન સાઈટને શો કોઝ નોટિસ ફટકારવામાં આવી છે, તેમાંથી ૨૬૪ સાઈટને સ્ટોપ વર્કની નોટિસ આપવામાં આવી છે. આ સ્કવોડ ખાનગી સાઈટ, રોડ અને મેટ્રો પોજેક્ટનું ઈન્સપેકશન કરે છે અને એક્યુઆઈ સેન્સર પણ તપાસે છે.
નોંધનીય છે કે મુંબઈમાં ૩,૧૦૦ ક્ધસ્ટ્રકશન સાઈટ પરથી ફક્ત ૬૬૨ સ્થળોએ સેન્સર બેસાડેલા છે, જ્યારે ૨૫૧ સ્થળોએ બેસાડવાની પ્રક્રિયા ચાલી રહી છે.



