મુમ્બ્રા અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને નોકરી આપો: શિવસેના (યુબીટી) | મુંબઈ સમાચાર
આમચી મુંબઈ

મુમ્બ્રા અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને નોકરી આપો: શિવસેના (યુબીટી)

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:
રાજ્ય સરકારે મુમ્બ્રા લોકલ ટ્રેન અકસ્માતમાં મૃત્યુ પામેલા મુસાફરોના પરિવારોને પાંચ લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે અને સરકાર ઘાયલોની સહાય અને સારવારનો ખર્ચ 50,000 રૂપિયાથી બે લાખ રૂપિયા સુધી ઉઠાવી લેશે.

જોકે, ફક્ત આર્થિક સહાય આપવાને બદલે સરકારે મૃતક પ્રવાસીઓના પરિવારમાંથી એક વ્યક્તિને કરુણાના ધોરણે રેલવેમાં કાયમી નોકરી આપવી જોઈએ, એવી માગણી સાંસદ અરવિંદ સાવંતે કરી છે.

આપણ વાંચો: મુમ્બ્રા ટ્રેન દુર્ઘટનાઃ જાણો છેલ્લા ત્રણ વર્ષમાં કેટલા પ્રવાસીઓએ અકસ્માતમાં ગુમાવ્યા જીવ?

મધ્ય રેલવેના મુમ્બ્રા રેલવે સ્ટેશન પર લોકલ ટ્રેનમાંથી પડી જવાથી મૃત્યુ પામેલા પ્રવાસીઓના પરિવારને રેલવેમાં નોકરી આપવાની માગણી શિવસેના (યુબીટી)એ કરી છે. શુક્રવારે અરવિંદ સાવંતના નેતૃત્વ હેઠળ એક પ્રતિનિધિમંડળ મધ્ય રેલવેના જનરલ મેનેજર ધર્મવીર મીણાને મળ્યું હતું અને મધ્ય રેલવેમાં મુસાફરોની સમસ્યાઓ અંગે એક મેમોરેન્ડમ દ્વારા વિવિધ માગણીઓ રજૂ કરી હતી.

અકસ્માત પછી રેલવે બોર્ડે સામાન્ય લોકલ ટ્રેનો માટે ઓટોમેટિક દરવાજા લગાવવાનો નિર્ણય જાહેર કર્યો હતો. જોકે, સાવંતે જનરલ મેનેજરના ધ્યાન પર લાવી આપ્યું હતું કે આ વિકલ્પ શક્ય નથી. ઓટોમેટિક ડોર સિસ્ટમથી અસુવિધા થશે અને ઘણા મુસાફરો ઇચ્છિત લોકલ ટ્રેન પકડી શકશે નહીં. તેઓ સમયસર ઓફિસ પહોંચી શકશે નહીં.

આપણ વાંચો: મુમ્બ્રા દુર્ઘટના પછી ‘ઓટોમેટિક ડોરવાળી ટ્રેન’ દોડાવવાનો નિર્ણય, ક્યારે શરૂ થશે?

આને ધ્યાનમાં રાખીને પ્રતિનિધિમંડળે એવી માગણી કરી હતી કે મધ્ય રેલવે પર અન્ય પ્રવાસી સુવિધાઓ સમયસર ઉપલબ્ધ કરાવવામાં આવે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે રેલવે મંત્રાલયે બુલેટ ટ્રેન અને રેલવે સ્ટેશનોના સુશોભન પર પૈસા ખર્ચવાને બદલે લોકલ ટ્રેનોની સેવા કેવી રીતે સુધારી શકાય તેના પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.

અરવિંદ સાવંત સાથે રેલ કામગાર સેનાના મહામંત્રી દિવાકર દેવ, શાખાના વડા જયવંત નાઈક અને અન્ય લોકોએ આ પ્રતિનિધિમંડળમાં ભાગ લીધો હતો. વરિષ્ઠ રેલવે અધિકારીઓ પણ હાજર રહ્યા હતા.

વહીવટીતંત્ર સમક્ષ કરવામાં આવેલી માંગણીઓ:

  • દિવા-સીએસએમટી લોકલ ટ્રેનો તાત્કાલિક શરૂ કરો
  • કલ્યાણ અને દિવા-સીએસએમટી લોકલ ટ્રેનોની સંખ્યામાં વધારો
  • કલ્યાણ-થાણે શટલ સેવા તાત્કાલિક શરૂ કરો
  • થાણે-પનવેલ અથવા નવી મુંબઈ વિસ્તાર અને કલ્યાણ-થાણે શટલ સેવાને જોડતી શટલ સેવા શરૂ કરો
  • આ રૂટ પર સમાંતર એલિવેટેડ અથવા ભૂગર્ભ લોકલ ટ્રેન સેવાઓ શરૂ કરવાના પ્રોજેક્ટ પર વિચાર કરો

Vipul Vaidya

મુંબઈ-સિટી-ડેસ્ક વરિષ્ઠ રાજકીય સંવાદદાતા જેમણે માહારાષ્ટ્રના રાજકારણ અને મહારાષ્ટ્ર સરકારના વહીવટી અહેવાલોનું વ્યાપક રિપોર્ટિંગ કર્યું છે. નાણાકીય, કૃષિ, સામાજિક ક્ષેત્રો અને અન્ય ક્ષેત્રોમાં વિકાસ પર અહેવાલ આપે છે. તેમને પત્રકારત્વ માટે ઘણા પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા છે. More »

સંબંધિત લેખો

Back to top button