મુંબઈના તાપમાનમાં ચાર દિવસમાં ચાર ડિગ્રીનો વધારો
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈમાં હજી ગયા શનિવારે સાંતાક્રુઝમાં લઘુતમ તાપમાનનો પારો 17.5 ડિગ્રી જેટલો નોંધાઈને મોસમનો અત્યાર સુધીનો સૌથી ઠંડો દિવસ રહ્યો હતો. ઠંડા પવનો ફૂંકાવાની સાથે જ લઘુતમ અને મહત્તમ તાપમાનનો પારો પણ નીચે ઉતરી ગયો હતો. શનિવારે સાંતાક્રુઝમાં મહત્તમ તાપમાન 31.5 ડિગ્રી નોંધાયું હતું. જોકે 48 કલાકમાં જ મુંબઈમાં મહત્તમ તાપમાનનો પારો ચાર ડિગ્રી જેટલો ઉપર નોંધાયો હતો. સોમવારે સાંતાક્રુઝમાં મહત્તમ તાપમાન 35.1 ડિગ્રી જેટલું નોંધાયું હતું. લાંબી રાહ જોવડાવ્યા બાદ ગયા અઠવાડિયામાં મુંબઈગરા શિયાળાની ફુલગુલાબી ઠંડીનો અનુભવ કર્યો હતો. ગયા બુધવારે 18.4 ડિગ્રી અને શનિવારે 17.5 ડિગ્રી જેટલું લઘુતમ તાપમાન નોંધાયું હતું. ઠંડા પવનોની સાથે જ લઘુતમ અને મહત્તમ તાપમાનનો પારો નીચે જતા ઠંડક જણાઈ રહી હતી. જોકે 48 કલાકની અંદર જ મુંબઈમાં તાપમાનનો પારો ચાર ડિગ્રી જેટલો ઊંચો નોંધાયો હતો.
સોમવારે કોલાબામાં મહત્તમ તાપમાન 33.2 અને સાંતાક્રુઝમાં 35.1 નોંધાયું હતું. તો કોલાબામાં લઘુતમ તાપમાન 22.6 ડિગ્રી અને સાંતાક્રુઝમાં 22.0 ડિગ્રી નોંધાયું હતું. આ અગાઉ શનિવારે છ જાન્યુઆરીને કોલાબામાં મહત્તમ તાપમાન 29.2 ડિગ્રી અને લઘુતમ તાપમાન 20.0 ડિગ્રી તો સાંતાક્રુઝમાં મહત્તમ તાપમાન 31.5 ડિગ્રી અને લઘુતમ તાપમાનનાો પારો 17.5 ડિગ્રી નોંધાયો હતો. તો રવિવારે સાત જાન્યુઆરીના કોલાબામાં મહત્તમ તાપમાન 30.4 ડિગ્રી અને લઘુતમ 21.8 ડિગ્રી તો સાંતાક્રુઝમાં મહત્તમ તાપમાન 32.0 ડિગ્રી અને લઘુતમ 20.9 ડિગ્રી નોંધાયું હતું.