આમચી મુંબઈ

ધૂળને નિયંત્રણમાં લાવવા મુંબઈના રસ્તાઓને પાણીથી ધોવાયા

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈમાં વધતા પ્રદૂષણને નાથવા માટે અને વાતાવરણમાં ઉડતી ધૂળને નિયંત્રણમાં લાવવા માટે મુંબઈ મહાનગરપાલિકાએ મુંબઈના ૫૬૦ કિલોમીટર લંબાઈના રસ્તાને સ્વચ્છ કરીને પાણીથી ધોવાની યોજના બનાવી છે, તે માટે ૧૨૧ ટૅન્કર, મશીન સહિત મનુષ્યબળનો ઉપયોગ કરવામાં આવવાનો છે.

પાલિકાના એડિશનલ કમિશનર સુધાકર શિંદેના જણાવ્યા મુજબ પ્રદૂષણને નિયંત્રણમાં લાવવા માટે ઉપાયયોજનાને અમલમાં મૂકવામાં આવી રહી છે, જે હેઠળ હવામાં રહેલા પ્રદૂષણ માટે કારણભૂત રહેલી ધૂળને નિયંત્રણમાં લાવવા માટે મુંબઈના તમામ ૨૪ પ્રશાસકીય વોર્ડમાં આવેલા ૬૦ ફૂટ કરતા વધુ પહોળાઈના રસ્તા, જે ફૂટપાથ પર લોકોની અવરજવર વધુ હોય તેને સાફ કરીને પાણીની ધોઈ કાઢવાના કામ હાથ ધરવામાં આવ્યા છે. રસ્તાને સ્વચ્છ કરવા માટે પહેલા ધૂળ હટાવવા માટે આ રસ્તા અને ફૂટપાથ પર પહેલા બ્રશિંગ કરીને ત્યારબાદ પાણીને છાંટવામાં આવી રહ્યું છે. જે રસ્તા પર વાહનોની અવરજવર વધુ હશે એના પર વધુ ધ્યાન આપવામાં આવશે.

સંપૂર્ણ મુંબઈ મહાનગરમાં લગભગ ૫૫૦ કિલોમીટર લંબાઈના રસ્તા નિયમિતિ રીતે સ્વચ્છ કરીને ધોઈ કાઢવાની યોજના બનાવવામાં આવી હોઈ તે માટે પાણીના ૧૨૧ ટૅન્કર અને અન્ય મશીનો અને મનુષ્યબળ નીમવામાં આવ્યું છે. રસ્તાને ધોવા માટે પુન: પ્રક્રિયા કરેલા પાણીનો તેમ જ સ્થાનિક સ્ત્રોતમાંથી પાણીનો મુખ્યત્વે ઉપયોગ કરવામાં આવશે. મુખ્યત્વે મુંબઈના નાગરિકોને તકલીફ ના થાય તેને ધ્યાનમાં રાખીને ઑફ-પીક અવર્સમાં એટલે કે સવારના ત્રણથી સવારના છ વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન રસ્તાને ધોવામાં આવવાના છે. તો અમુક વોર્ડમાં જે રસ્તા પર ટ્રાફિક ઓછો રહેતો હોય ત્યાં બપોરના અથવા સાંજના ધોવામાં આવશે. રસ્તા અને ફૂટપાથ ધોવાનું કામ ત્રણથી ચાર કલાકમાં પૂરું કરવાનું રહેશે.

એડિશનલ કમિશનર સુધાકર શિંદેના જણાવ્યા મુજબ રસ્તા અને ફૂટપાથ પર ધૂળનું પ્રમાણ ઘટાડવા માટે પાલિકા તરફથી વેહિકલ માઉન્ટેડ ઍન્ટી સ્મોગ મશીન ચાલુ કરવામાં આવ્યા છે. એ સાથે જ તમામ પ્રશાસકીય વોર્ડમાં મુખ્યત્વે જયાં ભીડ વધુ હોય તે પરિસરમાં રસ્તા, ફૂટપાથની ખાસ સ્વચ્છતા તેમ જ પાણીને ધોઈને કાઢવાની કાર્યવાહી કરવામાં આવવાની છે. રસ્તા પરની ધૂળનું પ્રમાણ ઓછું કરવા માટે ઍન્ટી સ્મોગ મશીન વાહનોની સંખ્યા વધારવામાં આવવાની છે.

પાલિકાએ ઍર પૉલ્યુશન ઘટાડવા માટે બહાર પાડેલી ગાઈડલાઈન મુજબ બાંધકામ માટેના મટિરિયલ સહિત ડેબ્રીજનું વહન કરનારા વાહનોને ઢાંકવા માટે કહેવામાં આવ્યું છે. તેમ જ ડેબ્રીજને એક જગ્યાથી બીજી જગ્યાએ લઈ જવા દરમિયાન તેના પર પાણીનો છંટકાવ કરવાનો રહેશે. કાટમાળનું વહન કરતાના વાહનોની દરેક ખેપ બાદ વાહનોને પૂર્ણ સ્વચ્છ કરવાના રહેશે. કાટમાળનું વહન કરનારા દરેક વાહન પર જીપીએસ સિસ્ટમ ચાલુ કરવાની રહેશે, જેથી કરીને તેની હાલચાલ પર નજર રાખી શકાશે. પાલિકાની યંત્રણા સાથે જ વેહિલક ટ્રૅકિંગ ઍન્ડ મૉનિટરિંગ સિસ્ટમ યંત્રણા લિંક કરવાનું છે. તેમ જ ટોલ પ્લાઝા સ્વચ્છ રાખવા માટે મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ડેવલપમેન્ટ ઑથોરિટીને સૂચના પણ આપવાામં આવી હોવાનું શિંદેએ કહ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button