મુંબઈના સૌથી પહેલા ‘મૉલ’નું ઓક્શન આ તારીખે થશે
મુંબઈ: મુંબઈના સર્વપ્રથમ શોપિંગ મૉલ ‘સોબો સેન્ટ્રલ મૉલ’નું લિલામ 29 જાન્યુઆરી 2024ના દિવસે કરવામાં આવશે. 1990ના દાયકામાં ક્રોસરોડ્સ મૉલ તરીકે ઓળખાતી આ જગ્યા ખરીદી માટે અને હળવા મળવા માટેનું જાણીતું સ્થળ હતું.
જોકે, શહેરમાં અને પરા વિસ્તારમાં ખરીદી માટે અનેક વિકલ્પો ફૂટી નીકળતા એ મૉલ માટેના આકર્ષણમાં ઓટ આવી ગઈ હતી. મહામારીના સમયમાં આ મૉલને મોટો ફટકો પડ્યો હતો અને ત્રણ વર્ષથી એ બંધ પડી રહ્યો છે.
આ વર્ષે ઓગસ્ટ મહિનામાં ક્રિસીલ રેટિંગ દ્વારા મૉલના માલિક બંસી મૉલ મેનેજમેન્ટ કંપની પ્રાઈવેટ લિમિટેડનું રેટિંગ ઘટાડી ‘ડી’ કરવામાં આવ્યું હતું. સાથે ‘જારીકર્તા સહકાર નથી આપી રહ્યા’ એવી ટિપ્પણી પણ કરવામાં આવી હતી. રેટિંગ એજન્સીએ માંગેલી માહિતી અંગે કંપની તરફથી કોઈ જવાબ નથી આપવામાં આવ્યો એવો એનો અર્થ થાય છે.
મૉલના માલિક પાસેથી લેણી નીકળતી રકમ વસૂલ કરવા કેનેરા બેન્ક દ્વારા એનું લિલામ હાથ ધરવામાં આવ્યું છે. લિલામની બોલી 500 કરોડ રૂપિયાથી શરૂ થશે. લિલામ માટેની જગ્યામાં ભોંયતળિયે આવેલી દુકાનો તેમજ અન્ય વ્યવસાયિક જગ્યા અને બિલ્ડીંગ એના પાંચ માળનો સમાવેશ છે.
લિલામનો કુલ એરિયા 1,07,691.99 ચોરસ ફૂટ છે. બોલીમાં સહભાગી થવા ઈચ્છતા લોકો 20 જાન્યુઆરી સુધી જગ્યા જોઈ શકશે અને લિલામના દિવસે કે એ પહેલા 50 કરોડ રૂપિયા અર્નેસ્ટ મની તરીકે જમા કરવાના રહેશે.