કોસ્ટલ રોડ પર રેસિંગ, ધ્વનિ પ્રદૂષણ પર નિયંત્રણ રાખવા વિશેષ ઝુંબેશ

મુંબઈ: નવા ખૂલેલા કોસ્ટલ રોડ પર રેસિંગ અને વાહનના ધ્વનિ પ્રદૂષણ પર નિયંત્રણ રાખવા માટે ગુરુવારે સત્તાવાળાઓ દ્વારા વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.
દક્ષિણ મુંબઈમાં કોસ્ટલ રોડ પર 8 ફેબ્રુઆરીએ કારને નડેલા અકસ્માતમાં 19 વર્ષની કોલેજિયનનું મૃત્યુ થયું હતું, જ્યારે કાર હંકારી રહેલા તેના મિત્રને ઇજા થઇ હતી.
ગયા મહિને કોસ્ટલ રોડ પર રેસિંગ કરવા બદલ બે યુવકના લાઇસન્સ રિજનલ ટ્રાન્સપોર્ટ ઓફિસ (આરટીઓ) દ્વારા ત્રણ મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવ્યાં હતાં અને તેમની કાર જપ્ત કરવામાં આવી હતી. રેસિંગ દરમિયાન એક કાર રોડ પર ટનલની દીવાલ સાથે અથડાઇ હતી. બાદમાં કાર ત્યાં જ છોડીને ડ્રાઇવર ભાગી ગયો હતો, જેને કારણે ભારે ટ્રાફિક જૅમ સર્જાયો હતો.
આ પણ વાંચો: હાજી અલીથી મરીન ડ્રાઈવને જોડતો કોસ્ટલ રોડનો ઈન્ટરચેન્જ આર્મ ખૂલ્લો મુકાયો
કોસ્ટલ રોડ નજીક રહેલા લોકોએ પણ વાહનો થકી ધ્વનિ પ્રદૂષણ થતું હોવાની ફરિયાદ કરી હતી. આથી ગુરુવારે આરટીઓ અને ટ્રાફિક પોલીસની ચાર ટીમને કોસ્ટલ રોડની મુખ્ય એન્ટ્રી તેમ જ એક્ઝિટ પોઇન્ટ પર ગોઠવવામાં આવી હતી.
મરીન ડ્રાઇવથી વરલી વચ્ચેનો 10 કિ.મી.નો છ લેનનો કોસ્ટલ રોડ 12 માર્ચ, 2024ના રોજ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો, જેના પરથી આજ સુધી 50 લાખથી વધુ વાહનો દોડ્યાં છે. રોજ સરેરાશ 18 હજારથી 20 હજાર વાહનો આ રોડનો ઉપયોગ કરે છે.
આ રોડ પર અનધિકૃત રીતે રેસિંગ અને ધ્વનિ પ્રદૂષણ કરનારા પર નિયંત્રણ રાખવા માટે ટ્રાફિક પોલીસ અને આરટીઓ દ્વારા વિશેષ ઝુંબેશ હાથ ધરાઇ હતી. અમે અનધિકૃત સાઇલેન્સ જપ્ત કરીશું. અમે એન્ટિ-હોકિંગ ઝોનનો સખત રીતે અમલ કરી રહ્યા છીએ. ઉલ્લંઘન કરનારાઓ વિરુદ્ધ મોટર વેહિકલ્સ એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી રહી છે, એમ જોઇન્ટ ટ્રાન્સપોર્ટ કમિશનર (એન્ફોર્સમેન્ટ) રવિ ગાયકવાડે જણાવ્યું હતું.
તાડદેવ અને વડાલા આરટીઓ સ્કવોડ પાસે હાઇ-સ્પીડ ઇન્ટરસેપ્ટર્સ અને સ્પીડ ગન્સ છે. હવે સવારે સાતથી મધરાત સુધી બે શિફ્ટમાં તે પેટ્રોલિંગ કરશે.
(પીટીઆઇ)