મુંબઈના ‘સ્વચ્છતા દૂત’ને કામમાં રસ રહ્યો નથી
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈની સ્વચ્છતા પર નજર રાખવા માટે મુંબઈ મહાનગરપાલિકાએ મોટા ઉપાડે હાથ ધરેલી ‘સ્વચ્છતા દૂત’ની યોજનાનું સૂરસૂરિયું થઈ ગયું છે. નવા ‘સ્વચ્છતા દૂત’ નીમવાનું હાલ પૂરતું બંધ કરવામાં આવ્યું છે, તો જેને થોડા મહિના અગાઉ નીમવામાં આવ્યા હતા તે સ્વચ્છતા દૂતોનેે કામમાં રસ રહ્યો નથી અને તેઓ કામ છોડી રહ્યા હોવાની ચોંકાવનારી વિગત બહાર આવી છે.
મુંબઈની રોજબરોજની સ્વચ્છતા અને નિયમિત રીતે કચરો ઉપાડવામાં કામ પર દેખરેખ રાખવા માટે ‘સ્વચ્છતા દૂત’ નીમવામાં આવ્યા હતા. પરંતુ આ સ્વચ્છતા દૂતોએ ઓછા વેતનની સાથે જ દરેક ઘરની મુલાકાત લેવાનું કંટાળાજનક જણાઈ રહ્યું હોવાને કારણે નોકરી છોડવાનું ચાલુ કર્યું છે, તેથી તેમને નોકરી પર રાખવાનો મુંબઈ મહાનગરપાલિકાનો હેતુ સંપૂર્ણપણે નિષ્ફળ ગયો છે. પાલિકાએ મુંબઈના જુદા જુદા વિસ્તાર માટે કુલ ૮૦૦ ‘સ્વચ્છતા દૂત’ નીમ્યા હતા, તેમાંથી માંડ ૫૦૦ જેટલા ‘સ્વચ્છતા દૂત’ બાકી રહ્યા છે.
એક તરફ મુંબઈ મહાનગરપાલિકા મુંબઈને સ્વચ્છ રાખવા માટે ફરી એક વખત ‘ક્લીન-અપ’ માર્શલ પાછા લાવવાની યોજના બનાવી રહી છે. આ માર્શલ પાસે થૂંકવા અને કચરો ફેંકનારા પાસેથી દંડ વસૂલવાની સત્તા રહેશે. મુંબઈ મહાનગરપાલિકાએ ‘ક્લીન-અપ’ માર્શલ્સની સાથે ૫,૦૦૦ ‘સ્વચ્છતા દૂત’ની ટીમ રાખવાની યોજના બનાવી હતી. તેમનું કામ સોસાયટીઓની મુલાકાત લેવાનું અને સૂકો તથા ભીનો કચરો અલગ-અલગ કરવા માટે નાગરિકોમાં જાગૃતિ લાવવાનું છે. આ ઉપરાંત સમગ્ર શહેરમાં ખાસ કરીને ઝૂંપડપટ્ટીના વિસ્તારમાં જાહેર શૌચાલયની સ્વચ્છતા પર નજર રાખવાનું છે. પરંતુ તેમની પાસે ગંદકી ફેલાવનારા પાસેથી દંડ વસૂલવાની સત્તા નહોતી.
થોડા મહિના પહેલા પ્રાયોગિક ધોરણે ૮૦૦ સ્વચ્છતા કર્મચારીઓની પહેલી બેચ નીમવામાં આવી હતી. આ ‘સ્વચ્છતા દૂત’ની નીમણૂક એક એજન્સી દ્વારા કરવામાં આવી હતી અને તેમને ૧૫,૦૦૦ રૂપિયાનો માસિક પગાર આપવામાં આવતો હતો. જોકે અમુક ‘સ્વચ્છતા દૂત’ પોતાની નોકરી ચાલુ રાખવા માટે અનિચ્છા
દર્શાવી હતી.