મુંબઈગરાની વર્ષભરની પાણીકાપની ચિંતા ટળી
જળાશયોમાં ૯૯.૨૩ ટકા પાણીનો જથ્થો
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈના માથા પરથી પાણીકાપનું સંકટ ટળી ગયું છે. મુંબઈને પાણી પૂરું પાડનારા સાતેય જળાશયોમાં પાણીનો જથ્થો ૯૯.૨૩ ટકા પર પહોંચી ગયો છે. આ પાણી મુંબઈને આગામી ૩૭૩ દિવસ ચાલે એટલું જમા થઈ ગયું છે.
આ વર્ષે ચોમાસાનું મોડેથી આગમન થયા બાદ ઑગસ્ટ મહિનો સાવ કોરો જતા જળાશયોમાં પાણીની ઘટતી સપાટીથી મુંબઈના માથા પર આખું વર્ષ પાણીકાપ સંકટ તોળાઈ રહ્યું હતું. જોકે સપ્ટેમ્બર મહિનામાં ગણેશોત્સવ દરમિયાન વરસાદનું ફરી આગમન થયું હતું અને ધીમે ધીમે પણ વરસતા જળાશયોમાં પાણીની સપાટીનું સ્તર ઊંચુ
આવ્યું છે.
સાતેય જળાશયોમાં પાણીનું સ્તર પૂર્ણ ક્ષમતાએ વધી ગયું હોઈ ૩૦ સપ્ટેમ્બર, ૨૦૨૩ના સવારના ૧૪,૩૬,૧૮૩ મિલિયન
લિટર પાણી જમા થઈ ગયું છે. તેથી મુંબઈગરાની આખી વર્ષની તરસ છીપાવવા માટે પાણીનો ફુલ સ્ટોક થઈ ગયો છે. આ પાણી આગામી ૩૭૩ દિવસ ચાલે એટલું થઈ ગયું છે.
મુંબઈને પાણીપુરવઠો કરનારા અપર વૈતરણા, મોડકસાગર, તાનસા, મધ્ય વૈતરણા, ભાતસા, વિહાર અને તુલસી આ સાત જળાશયોમાંથી દરરોજ ૩,૯૦૦ મિલિયન લિટર જેટલો પાણી પુરવઠો થાય છે. મુંબઈને આખું વર્ષ પાણીકાપ વગર પાણીપુરવઠો કરવા માટે સાતેય જળાશયમાં ૧૪,૪૭,૩૬૩ મિલિયન લિટર જેટલો પાણીપુરવઠો હોવો આવશ્યક છે.
શનિવાર ૩૦ સપ્ટેમ્બર, ૨૦૨૩ના સવારના સાતેય જળાશયમાં ૯૯.૨૩ ટકા એટલે કે ૧૪,૩૬,૧૮૩ મિલિયન લિટર જેટલું પાણી જમા થઈ ગયું છે. મુંબઈની આખા વર્ષની તરસ છીપાવવા માટે હજી ૧૧,૧૮૦ મિલિયન લિટર જેટલું પાણી ઓછું છે. જોકે છેલ્લા બે વર્ષની સરખામણીમાં આ જ સમયે પાણીનું સ્તર વધું છે. ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૨ના અને ૨૦૨૧ના અનુક્રમે ૯૮.૫૬ ટકા અને ૯૮.૭૭ ટકા પાણીનો સ્ટોક હતો. છેલ્લા થોડા દિવસોથી આ વર્ષે પાણીનો સ્ટોક છેલ્લા બે વર્ષની સરખાણીમાં ઓછો હતો. પરંતુ ૩૦ સપ્ટેમ્બર, ૨૦૨૩ છેલ્લા બે વર્ષ કરતા વધુ થઈ ગયું છે.
અપર વૈતરણામાં કુલ પાણીનો સ્ટોક ૯૯.૬૮ ટકા, ભાતસામાં ૯૯.૨૭ ટકા જમા થઈ ગયો છે. તે પહેલા તમામ જળાશયોમાં છલકાઈને વહી રહ્યા હતા. ભાતસા, મિડલ વૈતરણા અને અપર વૈતરણા છલકાઈ જતા મુંબઈનુંં પાણીનું ટેન્શન દૂર થઈ ગયું છે. હવામાન ખાતાએ આગામી ચાર દિવસ મુંબઈ સહિત રાજ્યના અનેક જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી છે, તેથી આ જળાશયોમાં નવા પાણીની આવક થાય છે કે નહીં તેના પર પાલિકાની નજર રહેશે.
મુંબઈનું આખા વર્ષના પાણીનું નિયોજન પહેલી ઑક્ટોબરના રોજ જમા થનારા પાણી પર આધારિત હોય છે. હાલ જળાશોયમાં મુંબઈને આગામી ૩૭૩ દિવસ ચાલે એટલું પાણી જમા થઈ ગયું છે. તેથી આખું વર્ષ પાણીકાપ મૂકવાનું સંકટ ટળી ગયું છે.
વરસાદની વિદાયની શરૂઆત
કોંકણમાં મુશળધાર વરસાદની આગાહી
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈમાં ગણેશોત્સવ દરમિયાન ચોમાસું ફરી સક્રિય થયું હોવાથી છેલ્લા ત્રણ-ચાર દિવસથી બપોર બાદ વીજળીના ગડગડાટ સાથ મુશળધાર વરસાદ પડવાનું સત્ર ચાલુ છે. શનિવારે પણ બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને સાંજ બાદ અનેક વિસ્તારમાં વીજળીના ગડગડાટ સાતે મુશળધાર વરસાદ પડ્યો હતો. આ દરમિયાન આગામી ૨૪ કલાક કોંકણમાં મુશળધાર વરસાદની આગાહી હવામાન ખાતાએ કરી છે.
શનિવાર સાંજ બાદ મુંબઈના ઉપનગરમાં અનેક વિસ્તારોમાં વીજળીના ગડગડાત સાથે મુશળધાર વરસાદ પડવાનું ચાલુ થયું હતું, તેને કારણે આખો દિવસ રહેલી ગરમી અને ઉકળાટથી થોડી રાહત જણાઈ હતી. તો અરબી સમુદ્રમાં નિર્માણ થયેલા ઓછા દબાણનું રૂપાંતર ઓછા
દબાણના ક્ષેત્રમાં થયું હોવાથી કોંકણ પરિસરમાં આગામી ૨૪ કલાકમાં મુશળધાર વરસાદની શક્યતા હોવાનું હવામાન ખાતાએ કહ્યું હતુંં.
હવામાન ખાતાના કહેવામુજબ દક્ષિણ કોંકણ-ગોવા કિનારાને લાગીને અરબી સમુદ્રમાં તીવ્ર ઓછા દબાણનું ક્ષેત્ર નિર્માણ થયું છે. ગોવાથી ૧૧૦ અને રત્નાગિરીતી લગભગ ૧૩૦ કિલોમીટરના અંતર પર તેની અસર છે. ઓછા દબાણનો પટ્ટો પણજી અને રત્નાગિરી દરમિયાન કોંકણ-ગોવા કિનારપટ્ટીને ઓળંગી જવાની શક્યતા છે. આ દરમિયાન કોંકણ, ગોવામાં આગામી ૨૪ કલાક મુશળધાર વરસાદની શક્યતા છે.
આ દરમિયાન ભારતીય હવામાન ખાતાએ મહારાષ્ટ્રના ઉત્તર ભાગમાંથી નૈઋત્યના ચોમાસાની વિદાયની શરૂઆત થશે એવું જણાવ્યું હતું. તો મુંબઈમાંથી લગભગ આઠ ઑગસ્ટની આસપાસ હંમેશા ચોમાસાની વિદાય થતી હોય છે. રાજસ્થાનમાંથી ચોમાસાની વિદાયની પ્રક્રિયા ચાલુ થઈ ગઈ છે. રાજસ્થાન સહિત પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ અને હિમાચલ પ્રદેશમાં પણ ચોમાસાની વિદાયની શરૂઆત થઈ ગઈ છે.