આમચી મુંબઈ

મુંબઈગરા સફાળા જાગ્યા! એક જ દિવસમાં પાલિકાની તિજોરીમાં ૧૦૦ કરોડ રૂપિયાનો પ્રોપર્ટી ટેક્સ જમા

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: પ્રોપર્ટી ટેક્સ વસૂલ કરવાની મુંબઈ મહાનગર પાલિકાની ઝુંબેશને નાગરિકોએ જોરદાર પ્રતિસાદ આપ્યો છે. મંગળવાર, ૨૦ માર્ચના એક જ દિવસમાં ૧૦૦ કરોડ રૂપિયા પાલિકાની તિજોરીમાં જમા થઈ ગયા હતા. મંગળવારે પાલિકાએ ૨૫ વોર્ડમાંથી પ્રોપર્ટી ટેક્સની વિક્રમી વસૂલાત કરી હતી, જેમાં સૌથી વધુ ટેક્સ ‘એસ’ વોર્ડમાંથી ૨૯,૨૩,૪૮,૦૦૦ રૂપિયા વસૂલ્યા હતા.

નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ પૂરું થવાની ગણતરીના દિવસ બાકી રહ્યા છે અને સોમવાર ૧૯ માર્ચ, ૨૦૨૪ સુધીમાં પાલિકા પોતાના લક્ષ્યાંકના માત્ર ૩૫ ટકા પ્રોપર્ટી ટેક્સ વસૂલ કરી શકી હતી. પાલિકાએ ૩૧ માર્ચ સુધીમાં ૨,૯૭૮ કરોડ રૂપિયાનો પ્રોપર્ટી ટેક્સ વસૂલ કરવાનો છે. નાગરિકો અને ડિફોલ્ટરો તુરંત બાકી રહેલા બિલની રકમ ભરી નાખે તે માટે પાલિકાએ જોરદાર કવાયત હાથ ધરી છે અને તે આખરે રંગ લાવી હતી. મંગળવારના એક દિવસમાં ૧૦૦ કરોડ પંચાવન લાખ ૬૯ હજાર રૂપિયાની વિક્રમી વસૂલી કરવામાં પાલિકાને સફળતા મળી હતી. જોકે નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ પૂરું થવામાં માત્ર ૧૧ દિવસ બાકી રહ્યા છે તેથી પાલિકાએ નાગરિકોને ૩૧ માર્ચ, ૨૦૨૪ સુધીમાં તેમના પ્રોપર્ટી ટેકસના બિલ ૩૧ માર્ચ પહેલા ભરી નાખવાની અપીલ કરી હતી.

સુધરાઈ દ્વારા ડિસેમ્બર, ૨૦૨૩માં ૨૦ ટકા વધારા સાથેના પ્રોપર્ટી ટેક્સના કામચલાઉ બિલો પાછા ખેંચી લેવામાં આવ્યા હતા. તેથી ચાલુ નાણાકીય વર્ષ માટે પ્રોપટી ટેક્સ માટે અગાઉ ૬,૦૦૦ કરોડ રૂપિયા વસૂલીના લક્ષ્યાંક રાખવામાં આવ્યો હતો, તેમાં સુધારો કરીને ૪,૫૦૦ કરોડ રૂપિયાનો પ્રોપર્ટી ટેક્સનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. જોકે મુંબઈગરાને પ્રોપર્ટી ટેક્સ ભરવા માટે ફ્કત એક મહિનાનો જ સમય મળ્યો છે, તેને કારણે પાલિકાની રેવેન્યુ કલેકશનમાં મોટો ઘટાડો થયો છે.

તેથી પાલિકાએ ડિફોલ્ટરોને બાકી રહેલો ટેક્સ ચૂકવી દેવાની અથવા કાર્યવાહી તૈયાર રહેવાની ચેતવણી પણ આપી છે, તો નાગરિકો પણ તેમના બાકી રહેલા બિલ તાત્કાલિક ધોરણે ભરી નાખે તે માટે તેમને સતત અપીલ કરવામાં આવી રહી છે.
પાલિકાની આવકનો બીજો સૌથી મોટો સ્ત્રોત પ્રોપર્ટી ટેક્સ ગણાય છે, તેથી પાલિકાએ હવે ડિફોલ્ટરો પાસેથી તેમનો બાકી રહેલો ટેક્સ વસૂલ કરવાના પ્રયાસમાં લાગી ગઈ છે.

તેથી જ પાલિકા દ્વારા દરરોજ ડિફોલ્ટરોની યાદી બનાવવામાં આવી રહી છે અને વોર્ડ સ્તરે તેમના ઘર તથા ઓફિસે જઈને તેમને ટેક્સ ભરી દેવા માટે સમજાવવામાં આવી રહ્યા છે. પાલિકાના અધિકારીના જણાવ્યા મુજબ પ્રોપર્ટી ટેક્સના બિલ ૨૭ ફેબ્રુઆરીના બહાર પાડવામાં આવ્યા છે, એટલે કરદાતાઓ ૨૫ મે સુધી તેમના બિલ ભરી શકે છે. પરંતુ ડિફોલ્ટરો જેઓ જાણીજોઈને બિલ નથી ભરી રહ્યા તેમને ૩૧ માર્ચ સુધી ટેક્સ ભરવો જ પડશે અન્યથા તેમને કાર્યવાહીનો સામનો કરવા તૈયાર રહેવું પડશે એવી જાહેરાત પાલિકાએ સોમવારે કરી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button