આમચી મુંબઈટોપ ન્યૂઝ

મુંબઇગરાઓને હવે તંદૂરી રોટી નહીં મળે, આ છે કારણ…..

મુંબઇઃ મુંબઈમાં વધતા જતાં વાયુ પ્રદૂષણને કારણે રેસ્ટોરાં અને હોટલોમાં તંદુરમાં કોલસાના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. મુંબઈમાં હોટલ રેસ્ટોરન્ટ અને ઢાબામાં તંદુરી રોટલી બનાવવા માટે કોલસા અને તંદુરના ઉપયોગ હવે પ્રતિબંધિત કરવામાં આવ્યો છે. મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તંદુર કોલસાની ભઠ્ઠી પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. બીએમસીએ હોટલ માલિકો અને તેના સંચાલકોને કોલસાની ભઠ્ઠીઓના વિકલ્પો સૂચવ્યા છે. હકીકતમાં બોમ્બે હાઈકોર્ટે પોતે આ સંદર્ભે આદેશો જારી કર્યા છે. હાઇકોર્ટના આદેશ બાદ મુંબઈ મહાનગરપાલિકા દ્વારા આ સંદર્ભે કાર્યવાહી કરવામાં આવી રહી છે.

બીએમસીએ રેસ્ટોરાં, હોટેલ અને ઢાબાઓને નોટિસ ફટકારીઃ-
હાઇ કોર્ટના આદેશ પર તાત્કાલિક કાર્યવાહી કરતા બીએમસીએ તમામ રેસ્ટોરાં, હોટેલ અને ઢાબાઓને નોટિસ ફટકારી છે. બીએમસીની આ કાર્યવાહી સામે કેટલાક હોટેલમાલિકોએ નારાજી પણ વ્યક્ત કરી છે. કેટલાક લોકો જણાવે છે કે કોલસાના તંદૂરમાં બનતી રોટલીનો સ્વાદ કંઇક ખાસ હોય છે. પરંપરાગત તંદૂર વિના કબાબ અને નાન ખાવાની મઝા નહીં આવે. આ ઓવનો બંધ કરવાથી હવે રોટલીના સ્વાદ બદલાઇ જશે. જોકે, હવે બૉમ્બે હાઇ કોર્ટના આદેશ મુજબ જ તંદૂરમાં કોલસાના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

બીએમસીએ નોટિસમાં શું કહ્યું છે?:-
બોમ્બે હાઈકોર્ટના આદેશ બાદ બીએમસીએ કોલસાની ભઠ્ઠીઓ સામે કાર્યવાહી શરૂ કરી છે અને કોલસાથી ચાલતા તંદૂર ઓવનનો ઉપયોગ કરતી રેસ્ટોરન્ટ હોટેલ અને ઢાબાઓને નોટિસ ફટકારી છે. હોટેલના કિચનમાં કોલસાથી ચાલતી ભઠ્ઠીઓને બદલે ઇલેક્ટ્રીક ઉપકરણો, સીએનજી પીએનજી અને એલપીજી ઇંધણનો ઉપયોગ કરવા માટે તેમને સૂચના આપવામાં આવી છે. તેથી હવે મુંબઈગરાઓ કોલસાથી ચાલતા તંદૂરમાં બનેલી તંદૂરી રોટી ખાવાનો આનંદ માણી શકશે નહીં

આ પણ વાંચો…આગામી મુંબઇ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપની એકલા ચાલોની નીતિ!

આ આદેશનું પાલન ક્યાં સુધીમાં કરવું પડશે?:-
બીએમસીએ હોટેલ સંચાલકોને 7 જુલાઈ સુધીમાં કોલસાથી ચાલતા તંદૂર ઓવનના બદલે ઇલેક્ટ્રીક ઉપકરણો વાપરવા જણાવ્યું છે. બીએમસીએ ચેતવણી આપી છે કે જો આ નિર્ણયનું પાલન કરવામાં નહીં આવે તો કડક કાર્યવાહી કરવામાં આવશે, જેમાં લાયસન્સ પણ રદ થઈ શકે છે, તેથી હવે હોટલ માલિકો પાસે બીએમસીના આદેશનું પાલન કરવા સિવાય કોઈ વિકલ્પ નથી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button