
મુંબઇઃ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે આદર્શ આચાર સંહિતા હટાવ્યા પછી રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે મહારાષ્ટ્ર અને ખાસ કરીને મુંબઈનું પરિવહન સુધારવા માટે વધુ 300 લોકલ ટ્રેનો ઉમેરવાની ખાતરી આપી હોવાની ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે માહિતી આપી હતી અને જણાવ્યું હતું કે મુંબઈમાં ટૂંક સમયમાં વધુ 300 લોકલ ટ્રેન સેવાઓ ઉમેરવામાં આવશે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં, તેમણે કહ્યું હતું કે રેલ્વે મંત્રાલય મુંબઈના રેલ્વે નેટવર્કની ભીડ ઘટાડવા માટે ખંતપૂર્વક કામ કરી રહ્યું છે. હાલમાં મુંબઈમાં પશ્ચિમ, મધ્ય અને હાર્બર રેલ્વે લાઇન છે. આ ત્રણ રૂટ પર લોકલ દોડે છે.
“મુંબઈ માટે ત્રણસો નવી લોકલ ટ્રેનો ટૂંક સમયમાં આવશે. જોગેશ્વરી ખાતે નવું ટર્મિનલ અને વસઈ ખાતે મેગા રેલ ટર્મિનલ પણ બનાવવામાં આવશે. ત્રણ મોટા રેલવે પ્રોજેક્ટની મંજૂરી આપવામાં આવી છે જે સમૃદ્ધ અને વિકસિત મહારાષ્ટ્રમાં નોંધપાત્ર યોગદાન આપશે . આ પ્રોજેક્ટ્સમાં પ્રયાગરાજ-માણિકપુર ત્રીજી લાઇન, ભુસાવલ-ખંડવા ત્રીજી અને ચોથી લાઇન અને મનમાડ-જલગાંવ ચોથી લાઇનનો સમાવેશ થાય છે,” એમ ફડણવીસે સોશિયલ મીડિયા પર લખ્યું હતું . તેમણે એ પણ ઉલ્લેખ કર્યો કે મુંબઈથી પૂર્વાંચલને જોડતો નવો કોરિડોર પોર્ટ કનેક્ટિવિટી વધારવાની વ્યાપક યોજનાનો એક ભાગ છે.
આ પણ વાંચો…હાઈફાઈ ઘરો બાંધવાની હોંશ વિસારે પાડીને મ્હાડા હવે ફરીથી પરવડે તેવા ઘરો બાંધશે…
આ ઉપરાંત મધ્ય રેલવેમાં પરેલ, એલટીટી, કલ્યાણ અને પનવેલના ટર્મિનલ્સની ક્ષમતા વધારવાનો અને પશ્ચિમ રેલવેમાં મુંબઈ સેન્ટ્રલ, બાંદ્રા ટર્મિનલની ક્ષમતા વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાની પણ તેમણે માહિતી આપી હતી.
એક વરિષ્ઠ રેલ્વે અધિકારીએ યોજનાઓની પુષ્ટિ કરતા જણાવ્યું હતું કે મુંબઈના રેલવે ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં નોંધપાત્ર રોકાણ કરવામાં આવી રહ્યું છે. હાલમાં અનેક પ્રોજેક્ટ્સ બાંધકામના વિવિધ તબક્કામાં છે, જે આગામી થોડા વર્ષોમાં પૂર્ણ થવાની અપેક્ષા છે. સરકારે MMR માટે રૂ. 16,240 કરોડની પહેલને મંજૂરી આપી છે. તેમાં વધારાના 301.5 કિમી ટ્રેક સાથે નેટવર્કને વિસ્તારવા માટેના 12 મેગા પ્રોજેક્ટનો સમાવેશ થાય છે, જેનાથી વર્તમાન સેવાઓમાં લગભગ બમણો વધારો થશે. આ ઉપરાંત વસઇ બાયપાસ લાઇન અને 29.6 કિમી પનવેલ-કર્જત રેલ કોરિડોર પ્રોજેક્ટ પણ નિર્માણાધીન છે.