આમચી મુંબઈ

બોલો, મીઠા પાણી માટે મુંબઈગરાને આટલા વર્ષ રાહ જોવી પડશે

પ્રસ્તાવિત પ્રોજેક્ટના ખર્ચમાં અતિશય વધારો

મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં પીવાના પાણીની અછત નિવારવા માટે દરિયાઈ ખારા પાણીને મીઠુ કરવાનો પ્રસ્થાપિત પ્રોજેક્ટ અમલમાં મુકતા પહેલા જ ખર્ચાળ સાબિત થયો છે. રૂ. ૫૦૦ કરોડનો મૂળ પ્રોજેક્ટ હવે પ્રથમ તબક્કામાં રૂ. ૫,૦૦૦ કરોડથી વધીને રૂ. ૮,૫૦૦ કરોડનો થયો છે. આ પ્રોજેક્ટ માટે ટેન્ડર આવતા મહિને બહાર પાડવામાં આવશે અને પ્રોજેક્ટ આગામી ચાર વર્ષમાં પૂર્ણ થવાની ધારણા છે.

મુંબઈને દરરોજ ૩,૮૫૦ મિલિયન લિટર પાણી પૂરું પાડવામાં આવે છે. વર્ષમાં ઓછો વરસાદ પડે તો પાણીની અછત સર્જાય છે. ત્યારે પાણીની અછત ન સર્જાય તે માટે વૈકલ્પિક વ્યવસ્થા તરીકે પાલિકાએ વિવિધ પગલાં લેવાનું શરૂ કર્યું છે, જેમાં દરિયાના ખારા પાણીને મીઠું કરવાનો એક પ્રોજેક્ટ છે. આ પ્રોજેક્ટ બોરીવલી પશ્ચિમમાં મનોરી બીચ નજીક ૧૨ હેક્ટર જમીનમાં સ્થાપિત કરવામાં આવશે. દરરોજ ૪૦૦ મિલિયન લિટર પાણીની પ્રક્રિયા કરવાની દરખાસ્ત છે.

૨૦૨૧માં જ્યારે પ્રોજેક્ટની જાહેરાત કરવામાં આવી ત્યારે તેની કિંમત ૩,૫૦૦ કરોડ રૂપિયા જાહેર કરવામાં આવી હતી. પ્રોજેક્ટ સ્થાપવા માટેનો ખર્ચ રૂ. ૧,૬૦૦ કરોડ અને ૨૦ વર્ષ સુધી પ્લાન્ટની જાળવણી માટે રૂ. ૧,૯૦૦ કરોડનો ખર્ચ એમ કુલ રૂ. ૩,૫૦૦ કરોડનો ખર્ચ થવાની ધારણા હતી.

પહેલા તબક્કાના બાંધકામ ખર્ચમાં આશરે ૨૦.૬૬ કરોડનો વધારો થયો છે. જ્યારે આગામી ૨૦ વર્ષોમાં પ્રોજેક્ટના જાળવણી અને પ્લાન્ટના સંચાલન માટે વીજળી ચાર્જ લગભગ રૂ. ૩,૬૦૦ કરોડ હશે. પ્રોજેક્ટનો ડ્રાફ્ટ લગભગ તૈયાર છે અને મ્યુનિસિપલ કમિશનરની મંજૂરી મળ્યા બાદ આગામી થોડા દિવસોમાં ટેન્ડરો બહાર પાડવામાં આવશે, એમ અધિકારીએ જણાવ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button