તહેવારોમાં મુંબઈગરાની હાલત 'કફોડી': 10 દિવસમાં મધ્ય રેલવેમાં કેટલી લોકલ ટ્રેન રદ થઈ? | મુંબઈ સમાચાર
આમચી મુંબઈ

તહેવારોમાં મુંબઈગરાની હાલત ‘કફોડી’: 10 દિવસમાં મધ્ય રેલવેમાં કેટલી લોકલ ટ્રેન રદ થઈ?

મુંબઈઃ સબર્બન મુંબઈમાં લોકલ ટ્રેનને લાઈફલાઈન કહેવાય છે, પરંતુ ટ્રેનમાં મુસાફરી કરવામાં પ્રવાસીઓની હાલાકીમાં વધારો થઈ રહ્યો છે. મધ્ય રેલવેમાં છેલ્લા 10 દિવસમાં રોજના 60થી વધુ લોકલ ટ્રેન રદ થવાથી પ્રવાસીઓને ટ્રેનમાં મુસાફરી કરવામાં હાલાકી પડી હતી. તહેવારોના દિવસોમાં ખાસ કરીને પહેલી સપ્ટેમ્બરથી દસમી સુધીમાં 750થી વધુ ટ્રેન રદ કરવામાં આવી હતી, જે પ્રવાસીઓમાં પણ રેલવે પ્રશાસન તરફી નારાજગી વધી હતી.

લોકલ ટ્રેન રદ કરવાના એક કરતા અનેક કારણો જવાબદાર છે, જેમાં ટેકનિકલ ખામીનું કારણ મુખ્ય હોય છે. કુર્લા-વિદ્યાવિહારના કોરિડોરમાં ખાસ તો રેલવે ટ્રેકમાં તિરાડ પડવાને કારણે ટ્રેનસેવા પર મેજર અસર થઈ હતી, જ્યારે આ દિવસોમાં મેઈન્ટેનન્સનું પણ કામકાજ હાથ ધરવામાં આવ્યું હતું. રેલવે પ્રવાસી સંગઠને જણાવ્યું હતું કે રેલવે ફક્ત મેઈન્ટેનન્સના નામે હાથ ઊંચા કરી લે છે, પરંતુ પરંપરાગત કામકાજ મુદ્દે આંખ આડા કાન કરે છે. પ્રવાસીઓને સૌથી વધુ હાલાકી તો એસી લોકલની છે. એસી લોકલ આવ્યા પછી મુંબઈના કોરિડોરમાં સૌથી વધુ નોન-એસીમાં ટ્રાવેલ કરનારા લોકોને પડે છે. એક એસી લોકલની સામે ત્રણ લોકલને લેટમાર્ક લાગતો હોય છે, પરંતુ એનો ઉકેલ હજુ સુધી રેલવેને મળતો નથી.

અનંત ચતુર્દશીના દિવસે મેગા બ્લોક રદ કરવામાં આવ્યો હોવા છતાં ટ્રેનો રદ કરવામાં આવી રહી હતી. ગયા રવિવારે એકલા 200 ટ્રેન રદ કરવામાં આવી હતી. રજાના દિવસે પબ્લિક બહાર જાય, પરંતુ ટ્રેન જ ના હોય તો શું કરે. આ મુદ્દે સંગઠન દ્વારા વાંરવાર રજૂઆત કરવામાં આવતી હોવા છતાં નક્કર કામગીરી થતી નથી એ નિરાશાજનક વાત છે, એમ એક પ્રવાસીએ જણાવ્યું હતું.

છેલ્લા દસ દિવસમાં સૌથી વધુ લોકલ સાતમી સપ્ટેમ્બરે (200) કરી હતી, ત્યાર પછી છ સપ્ટેમ્બર 72 હતી. ઉપરાંત, પહેલી સપ્ટેમ્બરે 68, બીજીના 56, ત્રીજીના 66, ચોથીના 65, પાંચમી 60, આઠમી 69, નવમીના 66 અને દસમી સપ્ટેમ્બરના 54 ટ્રેન રદ કરવામાં આવી હતી. અહીં એ જણાવવાનું કે મધ્ય રેલવેમાં હાર્બર અને મેઈન લાઈન મળીને રોજના 1,800થી વધુ ટ્રેન દોડાવવામાં આવે છે, જ્યારે 40 લાખથી ઓછા પ્રવાસી રોજ ટ્રાવેલ કરે છે.

‘ઓળખ’ છુપાવનારા સરકારી કર્મચારીઓને ફટકો: ગંભીર કાર્યવાહી કરવાની ચેતવણી

Kshitij Nayak

વરિષ્ઠ પત્રકાર બિઝનેસ, રાજકીય, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, વિવિધ પૂર્તિ તેમ જ સિટી ડેસ્કના ઈન્ચાર્જ સહિતની જવાબદારીઓ બજાવી ચૂક્યા છે. પત્રકારત્વ ક્ષેત્રે 20 વર્ષનો અનુભવ ધરાવે છે. દરેક વિષયો પર સારી એવી પકડ ધરાવે છે. More »

સંબંધિત લેખો

Back to top button