દિવાળીમાં મુંબઈગરો ઝેરી હવા શ્વાશી રહ્યો છે, કારણ છે ફટાકડા અને વાદળિયું વાતાવરણ: મલાડમાં સૌથી વધુ પ્રદૂષણ
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈમાં છેલ્લા થોડા દિવસથી તાપમાનમાં વધઘટ થવાની સાથે જ વાતાવરણમાં પ્રદૂષણના પ્રમાણમાં પણ વધારો-ઘટાડો જોવા મળી રહ્યો હતો. જોકે દિવાળીના તહેવારમાં ફટાકડા ફોડવાનું પ્રમાણ વધી રહ્યું છે, તેથી મુંબઈમાં ફરી એક વખત હવાની ગુણવત્તા કથળી છે. ગુરુવારે મુંબઈનો સાંજે સરેરાશ એર ક્વોલિટી ઈન્ડેકસ ૧૩૯ નોંધાયો હતો. નિષ્ણાતોના કહેવા મુજબ આગામી દિવસમાં પ્રદૂષણનું પ્રમાણ વધવાની શક્યતા છે.
મુંબઈગરા ગુરુવારે વહેલી સવારે ઉઠ્યા ત્યારે વાતાવરણ એકદમ ધુમ્મસિયું હતું. હવાની ગુણવત્તા પણ નબળી હતી અને વિઝિબિલીટી પણ નહોતી. નિષ્ણાતોના કહેવા મુજબ દિવાળીના તહેવાર દરમિયાન ફટાકડા ફોડવાનું પ્રમાણ વધી જતું હોય છે. ફટાકડાના ફોડવાને કારણે વાતાવરણમાં ઝેરી ધુમાડો ફેલાતો હોય છે. તેમાં પાછું હાલ અરબી સમુદ્રમાં હળવા દબાણનો પટ્ટો પણ સર્જાયો છે, તેની અસર હેઠળ વાતાવરણ વાદળિયું હોય છે. વાદળિયા વાતાવરણને કારણે ફટાકડાનો ધુમાડો વાતાવરણમાં ઉપર સુધી જતો નથી અને નીચેને નીચે રહેતો હોય છે, તેથી હવાની ગુણવત્તા કથળી જતી હોય છે.
સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (સીપીસીબી)ના આંકડા મુજબ મુંબઈનો સવારના સરેરાશ એક્યુઆઈ ૧૨૨ હતો અને સાંજના સમયમાં તેમાં હજી વધારો થઈને તે ૧૩૯ની ઉપર ગયો હતો.
દિવસ દરમિયાન મલાડમાં ૨૪૨, મઝગાંવમાં ૧૯૨, બાન્દ્રામાં ૧૩૨, બાન્દ્રા (પૂર્વ)માં ૧૧૭, બીકેસીમાં ૧૧૭, બોરીવલી (પૂર્વ)માં ૧૦૭, કોલાબામાં ૧૯૭, દેવનારમાં ૧૧૭, જુહુમાં ૧૧૨, ભાંડુપમાં ૧૧૨, કુર્લામાં ૧૨૪ એક્યુઆઈ નોંધાયો હતો.
નોંધનીય છે કે મુંબઈમાં પ્રદૂષણના સ્તરમાં વધારો થાય નહીં તે માટે મુંબઈ મહાનગરપાલિકાએ મુંબઈગરાને રાતના ૧૦ વાગ્યા પહેલા જ ફટાકડા ફોડી લેવાની અને ઓછું પ્રદૂષણ કરતા ફટાકડા ફોડવાની અપીલ કરી છે.