મુંબઈગરો સેનેટરી વેસ્ટના સલામત નિકાલ પ્રત્યે સાવ જ બેધ્યાન છે
આવા કચરાના નિકાલ માટે સમર્પિત સેવા હોવા છતાં પણ ત્રણ મહિનામાં સાત વોર્ડમાંથી આનો ઉપયોગ શૂન્ય

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: પર્યાવરણ સહિત સ્વચ્છતા કર્મચારી માટે જોખમી ગણાતા સેનેટરી વેસ્ટ (જોખમી કચરા)ને ભેગો કરીને તેનો નિકાલ કરવા સુધરાઈએ ડેડિકેટેડ ડોમેસ્ટિક સેનિટરી ઍન્ડ સ્પેશિયલ કેર વેસ્ટ મેનેજમેન્ટ સર્વિસ ચાલુ કરી છે. ૨૨ એપ્રિલ, ૨૦૨૫થી ૩૦ જૂન, ૨૦૨૫ સુધીના સમયગાળામાં સૌથી વધુ રજિસ્ટ્રેશન ઘાટકોપરમાં થયા છે પણ અહીંથી પ્રતિદિન માંડ ૩૪ કિલોગ્રામ જોખમી કચરો ભેગો થયો છે. સાત વોર્ડમાં રજિસ્ટ્રેશન બાદ પણ આવા જોખમી કચરો ભેગો થવાનું પ્રમાણ શૂન્ય છે.
સુધરાઈના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટના ઉચ્ચ અધિકારીના કહેવા મુજબ વધુમાં વધુ પ્રમાણમાં જોખમી કચરો અલગથી જમા થાય તે માટે જનજાગૃતિ લાવવા પર ભાર મૂકવામાં આવશે અને વધુને વધુ લોકો આ ઝુંબેશમાં જોડાવા માટે રજિસ્ટ્રેશન કરે તે માટે તેમને પ્રોત્સાહન આપવામાં આવશે.
મુંબઈમાંથી પ્રતિદિન ૬,૫૦૦થી ૭,૦૦૦ મેટ્રિક ટન કચરો નીકળે છે, સૌથી ઉપેક્ષિત અને સ્વચ્છતા કર્મચારીઓ સહિત પર્યાવરણ માટે નીકળતા જોખમી કચરા(સેનેટરી વેસ્ટ)નું પ્રમાણ ૭૦થી ૮૦ ટન છે, જેમાં મુખ્યત્વે સેનેટરી નેપકીન, ડાયપર સહિત અન્ય વ્યક્તિગત સ્વચ્છતાનો સામાન હોય છે. સુધરાઈના સોલિડ વેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા આ જોખમી કચરાને અલગથી ભેગો કરીને તેનો નિકાલ કરવા ડેડિકેટેડ ડોમેસ્ટિક સેનિટરી ઍન્ડ સ્પેશિયલ કેર વેસ્ટ મેનેજમેન્ટ સર્વિસ ચાલુ કરવામાં આવી છે, જેમાં રજિસ્ટર્ડ થયેલી હાઉસિંગ સોસાયટી, મહિલા હોસ્ટલ સહિત બ્યુટી પાર્લરમાંથી સેનિટરી કચરો સહિત પાળેલા પ્રાણીઓના મળને ભેગો કરવામાં આવી રહ્યો છે અને તેનો સુરક્ષિત રીતે નિકાલ કરવામાં આવે છે.
પાલિકા દ્વારા વધુને વધુ માત્રામાં આ અભિયાનમાં લોકોને જોડાવવાની અપીલ કરવામાં આવી છે, જેમાં ૨૨ એપ્રિલથી ૩૦ જૂન, ૨૦૨૫માં સુધીમાં આ અભિયાનમાં સૌથી વધુ રજિસ્ટ્રેશન એન વોર્ડ ઘાટકોપરમાં થયા છે પણ અહીં પ્રતિદિન માત્ર ૩૪ કિલોગ્રામ જેટલો જ જોખમી કચરો ભેગો થઈ રહ્યો છે. તો સૌથી વધુ કચરો જમા કે-પૂર્વના અંધેરી પૂર્વ વિસ્તારમાં થાય છે. અહીંથી રોજ ૨૬૮ કિ.ગ્રામ જોખમી કચરો જમા થાય છે. સાત વોર્ડમાં રજિસ્ટ્રેશન તો થયા છે પણ ત્યાંથી આવા જોખમી કચરો ભેગો થવાનું પ્રમાણ શૂન્ય છે, જેમાં એફ-ઉત્તર વોર્ડમાં ૨૭ રજિસ્ટ્રેશન, એચ-પશ્ર્ચિમ વોર્ડમાં ૧૮ રજિસ્ટ્રેશન, કે-પશ્ર્ચિમ ૬૫, એલ વોર્ડમાં ૯૩, એમ-પૂર્વમાં ૧૪, એમ-પશ્ર્ચિમ બાવન અને એસ વોર્ડમાં ૧૨૯ રજિસ્ટ્રેશન થયા છે. રજિસ્ટ્રેશન કરવામાં હાઉસિંગ સોસાયટીની સાથે જ શૈક્ષણિક સંસ્થા તથા બ્યુટીપાર્લરોનો સમાવેશ થાય છે.
ડેપ્યુટી કમિશનર અને સોલિડ વેસ્ટ ડિપાર્ટમેન્ટ સંભાળતા કિરણ દિઘાવકરે ‘મુંબઈ સમાચાર’ને જણાવ્યું હતું કે પહેલી જુલાઈ, ૨૦૨૫ સુધીમાં કુલ ૧,૯૧૯ રજિસ્ટ્રેશન પૂરા થયા છે, જેમાં ૧,૧૪૦ હાઉસિંગ સોસાયટી, ૬૭૭ બ્યુટી પાર્લર, ૭૫ શૈક્ષણિક સંસ્થા અને ૨૭ વુમેન્ટન્સ હૉસ્ટેલનો સમાવેશ થાય છે. એટલે કે લગભગ ૪.૫ લાખ નાગરિકો આ અભિયાસ સાથે જોડાયેલા છે. ૨૨ એપ્રિલથી ૩૦ જૂન સુધીમાં ૬૪.૫ ટન ડોમેસ્ટિક સેનિટરી અને સ્પેશિટલ કેર વેસ્ટ (જોખમી કચરો) ભેગો કરવામાં આવ્યો છે. એટલે દૈનિક સરેરાશ ૧.૭ ટન કચરો જમા થયો છે અને તેને છ પ્લાઝ્મા પ્લાન્ટમાં નિકાલ કરવામાં આવે છે.
લક્ષ્યાંકને પહોંચી વળવામાં નિષ્ફળ
પાલિકાના ઉચ્ચ અધિકારીના જણાવ્યા મુજબ આવા જોખમી કચરાનું નૈસર્ગિક રીતે નિકાલ થતો ન હોવાથી તેને અલગથી નિકાલ કરવો પડે છે. લોકોમાં હજી જાગૃતિનો અભાવ છે. તેથી પાલિકા પોતાના લક્ષ્યાંકને પહોંચી વળી શકી નથી. રજિસ્ટર્ડ થયેલા ઘર તથા સંસ્થાઓમાંથી આવો કચરો ભેગો કરીને તેનો નિકાલ છ પ્લાઝ્મા પ્લાન્ટમાં કરવામાં આવે છે. આ છ પ્લાઝ્મા પ્લાન્ટમાં દૈનિક સ્તરે ૨૦ ટન કચરાનો નિકાલ કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે. આ ૨૦ ટન કચરામાંથી ચાર લાખ ઘરમાંથી ૨૦ ટન, પ૦૦૦ બ્યુટી પાર્લરમાં ૧૦ ટન કચરો જમા કરવાનું લક્ષ્યાંક રાખ્યું છે પણ તેની સામે હાલ માત્ર એક લાખ ઘરમાંથી પાંચ ટન અને ૧,૦૦૦ બ્યુટી પાર્લરમાંંથી માંડ બે ટન જોખમી કચરો જમા થઈ રહ્યો છે. આગામી દિવસોમાં વધુને વધુ લોકો જોડાય અને જોખમી કચરાનું પ્રમાણ વધે તેમાં પ્રયાસ કરવા પડશે
આ પણ વાંચો…પહલગામ હુમલા પછી પણ પાકિસ્તાન સાથે રમત રમવી યોગ્ય છે?: આદિત્ય ઠાકરે