મુંબઈગરાઅને દઝાડશે ઓક્ટોબર હિટ ગરમીનો પારો સાતમા આસમાને
મુંબઇ: ગરમ હવા, વધતા તાપમાનનો બફારો, ભેજને કારણે થનારનો અસહ્ય પરસેવો, સતત પાણી પીધી બાદ પણ ગળુ સૂકાઇ જવું, થાક લાગવો જેવી અનેક તકલીફો મુંબઇગરાએ ઓક્ટોબરના પહેલાં જ અઠવાડિયામાં અનુભવી લીધી છે. મુંબઇમાં સોમવારની સરખામણીમાં મંગળવારે તાપમાન સહેજ નીચું હતું હોવા છતાં ગરમી અને બફારો ખૂબ વધુ જણાઇ આવ્યો હતો. મુંબઇના સાંતાક્રુઝમાં મંગળવારે ૩૪.૮ ડિગ્રી સેલ્સિયસ મહત્તમ તાપમાનની નોંધ થઇ હતી. આ તાપમાન સરેરાશ કરતાં ૨.૧ ડિગ્રીથી વધુ હતું. આ તાપમાન હજી ૧ થી ૨ ડિગ્રીથી વધવાની શક્યતાઓ છે.
વરસાદી પવને પાછીપાની કરતાં હાલમાં પૂર્વ અને ઇશાન દિશામાંથી પવન ફૂંકાઇ રહ્યાં છે. જેને કારણે ગરમીમાં
વધારો થયો છે. મુંબઇના સાંતાક્રુઝમાં સોમવારે મહત્તમ તાપમાન ૩૫.૯ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. કોલાબામાં મંગળવારે સોમવારની સરખામણીમાં ૦.૪ ડિગ્રી તાપમાન નીચે ઉતર્યુ હતું. જોકે ભેજનું પ્રમાણ હજી પણ ૭૦ થી ૮૦ ટકાથી પણ વધુ હોવાથી બફારાને કારણે મુંબઇગરા ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે.
કોકણ વિભાગમાં મંગળવારે સૌથી વધુ મહત્તમ તાપમાન સાંતાક્રુઝમાં નોંધાયું હતું. હાલમાં હવાની ગેરહાજરી હોવાને કારણે પ્રદુષણ વધતું હોવાનું જોવા મળ્યું છે. જેને કારણે મુંબઇના વાતાવરણમાં પ્રદુષણનો વધારો નોંધાયો છે. કોકણ વિભાગમાં મુંબઇને બાદ કરતાં અન્ય કેન્દ્રો પર સરેરાશ કરતાં મહત્તમ તાપમાનમાં થોડો જ વધારો નોંધાયો છે. રત્નાગિરી કેન્દ્ર પર ૧.૬ ડિગ્રીથી તાપમાનમાં વધારો નોંધાયો છે.