Mumbaiમાં આજે પ્રવાસીઓ નહિ લઇ શકે ગેટ વે ઓફ ઈન્ડિયાની મુલાકાત, જાણો કારણ

મુંબઈ : મુંબઈની(Mumbai) મુલાકાતે આવતા પ્રવાસીઓ રવિવારે ગેટવે ઓફ ઈન્ડિયાની મુલાકાત લઈ શકશે નહીં. આ પર્યટન સ્થળ રવિવારે લોકો માટે બંધ રાખવામાં આવ્યું છે. ગેટવે ઓફ ઈન્ડિયા રવિવારે સવારે 10.00 વાગ્યાથી આગામી આદેશ સુધી પ્રવાસીઓ માટે બંધ રહેશે. તેનું કારણ મહાવિકાસ અઘાડીનું “જૂતે મારો” આંદોલન છે.
મહાવિકાસ અઘાડીએ આંદોલનની જાહેરાત કરી
જેમાં થોડા સમય પૂર્વે સિંધુદુર્ગમાં છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા પડી જવાને કારણે મહારાષ્ટ્રનું રાજકારણ ગરમાયું છે. વિપક્ષી ગઠબંધન મહાવિકાસ અઘાડી (MVA)એ આ સંદર્ભે એક આંદોલનની જાહેરાત કરી છે જે આજે ગેટવે ઓફ ઈન્ડિયા ખાતે થશે.
ગેટવે ઓફ ઈન્ડિયા પર ભારે પોલીસ બંદોબસ્ત
આ આંદોલનને જોતા વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. જ્યારે ઐતિહાસિક સ્થળને પ્રવાસીઓ માટે એક દિવસ માટે બંધ કરવામાં આવ્યું છે. મુંબઈ આવતા દરેક પ્રવાસી ગેટવે ઓફ ઈન્ડિયાની અચૂક મુલાકાત લેતા હોય છે. જ્યાં દરરોજ હજારો લોકો એકઠા થાય છે. આ ભીડ રવિવારે બમણી થાય છે.
હુતાત્મા ચોકથી ગેટ વે ઓફ ઈન્ડિયા સુધી વિરોધ રેલી
MVA (મહા વિકાસ અઘાડી) છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા તોડવાની ઘટનાને લઈને મુંબઈમાં હુતાત્મા ચોકથી ગેટવે ઓફ ઈન્ડિયા સુધી વિરોધ માર્ચ કાઢશે. હિંસાની સંભાવનાને જોતા શહેરમાં પોલીસ અને અન્ય સુરક્ષાકર્મીઓ તૈનાત છે.
આંદોલન માટે પરવાનગી આપવામાં નથી આવી
મહાવિકાસ અઘાડીના આજે યોજાનાર ‘જુતા મારો’ આંદોલનને હજુ સુધી પોલીસ તરફથી મંજૂરી મળી નથી. મહાવિકાસ અઘાડીના નેતાઓ પોલીસની પરવાનગીની રાહ જોઈ રહ્યા છે. જો કે પરવાનગી ન મળવા છતાં આયોજન મુજબ આજે મહાવિકાસ અઘાડી માલવણમાં હુતાત્મા ચોક અને ગેટ વે ઓફ ઈન્ડિયા વચ્ચે છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા પડી જવાને લઇને સરકાર સામે વિરોધ પ્રદર્શન કરશે.
ઉદ્ધવ ઠાકરેના નેતા પોલીસ કમિશનરને મળ્યા
શિવસેના યુબીટી સાંસદ અરવિંદ સાવંત શનિવારે અધિક પોલીસ કમિશનરને મળ્યા હતા. અરવિંદ સાવંતને કહેવામાં આવ્યું છે કે પોલીસ અધિકારીઓ બેઠક યોજીને પરવાનગી અંગે નિર્ણય લેશે. જ્યારે હાલ તેમને માત્ર હુતાત્મા ચોક સુધી જવા એકત્ર થવાની મંજૂરી છે. જ્યારે રેલી માટે કોઇ મંજૂરી નથી.