ચુનાભઠ્ઠીમાં કૌટુંબિક વિવાદમાં ચાકુનાઘા ઝીંકી યુવકની હત્યા: સાતની ધરપકડ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ચુનાભઠ્ઠીમાં કૌટુંબિક વિવાદમાં ચાકુના ઘા ઝીંકી યુવકની હત્યા કરવામાં આવી હતી, જ્યારે ત્રણ જણ ઘવાયા હતા. આ પ્રકરણે પોલીસે સાત આરોપીની ધરપકડ કરી હતી.
ચુનાભઠ્ઠી પોલીસે પકડી પાડેલા આરોપીઓની ઓળખ અમન મોહમ્મદ શમીમ ખાન (20), મોહમ્મદ અનસ યુનુસ શેખ (28), શમા અનસ શેખ (28), સના અમન ખાન (21), શકીલ અહમદ બાબુ રઝા શેખ (23), હુસેના બાનો યુનિસ શેખ (49) અને સલમાન મોહમ્મદ શમીમ શેખ (25) તરીકે થઈ હતી.
આ પણ વાંચો : પુણે પોર્શે કાર અકસ્માત:ટીનએજરના પિતા-દાદા વિરુદ્ધ આત્મહત્યા,માટે પ્રવૃત્ત કરવાનો પણ ગુનો નોંધાયો
પોલીસ ફરિયાદ અનુસાર આરોપીના પરિવારની એક મહિલાએ બીજાં લગ્ન કરતાં મામલો ગરમાયો હતો. આ મુદ્દે કુર્લાના ઈન્દિરા નગર સ્થિત બરમા સેલ પટરી લાઈન ખાતે શુક્રવારની રાતે આસીફ ખાન (32) પર હુમલો કરવામાં આવ્યો હતો. માથા પર પથ્થર ફટકારવાને કારણે આસીફ ગંભીર રીતે ઘવાયો હતો.
જોકે બાદમાં મધરાતે એક વાગ્યાની આસપાસ આરોપીઓએ ચાકુથી બે ભાઈ અદનાન સલીમ કુરેશી (24) અને ઈમરાન સલીમ કુરેશી (19) તેમ જ આરીફ ઉમર ખાન (29) પર ચાકુથી હુમલો કર્યો હતો. પીઠ, પેટ અને કાન પર ચાકુના ઘા ઝીંકવામાં આવતાં અદનાનનું મૃત્યુ થયું હતું. જખમી ઈમરાન, આરીફ અને આસીફને સારવાર માટે હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ પ્રકરણે પોલીસ વધુ તપાસ કરી રહી છે.