આમચી મુંબઈ

મુંબઈને ૧૧ ફેબ્રુઆરીના મળશે મેયરસાત ફેબ્રુઆરીના ઉમેદવારી પત્રક દાખલ કરવામાં આવશે

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી બાદ મૅયર પદ સહિત જુદી જુદી સમિતિના અધ્યક્ષપદને લઈને ભાજપ અને શિંદેસેના વચ્ચે મુદ્દો હજી પણ ગુંચવાયેલો છે ત્યારે આગામી બેથી ત્રણ દિવસમાં મેયર અને સમિતિ બાબતે મુખ્ય પ્રધાન સાથે ચર્ચા બાદ નિર્ણય લેવામાં આવશે એવું સૂત્રોએ જણાવ્યું હતું. મૅયર પદ અને સમિતિના અધ્યક્ષપદને લઈને ભાજપ અને શિંદેસેના વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલી ખટરાગ આગામી બે-ત્રણ દિવસમાં દૂર થવાની હોવાથી મુંબઈ મહાનગરપાલિકા દ્વારા ૧૧ ફેબ્રુઆરીના બપોરના ૧૨ વાગે મેયરની ચૂંટણી લેવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું રાજકીય સ્તરે ચર્ચાઈ રહ્યું છે.
મુંબઈનો મેયર કોણ બનશે તેની સૌ કોઈ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે પણ ભાજપ-શિવસેનાની મહાયુતિમાં હજી પણ આ બાબતે નિર્ણય લેવાયો ન હોવાનું અંદરખાને ચર્ચાઈ રહ્યું છે. ભાજપ અને શિંદેસેના વચ્ચે સ્થાયી સમિતિ, સુધાર સમિતિ, શિક્ષણ, બેસ્ટ સહિત અન્ય સમિતિના અધ્યક્ષપદ મેળવવા માટે બેઠકો થઈ રહી છે પણ હજી સુધી તેઓ ચોક્કસ નિષ્કર્ષ પર પહોંચી શકયા નથી.

ભાજપ અને શિંદેસેનાએ પોતાના ગ્રૂપનું કોંકણ ભવનમાં અલગથી રજિસ્ટ્રેશન કરાવ્યું છે. તો રાષ્ટ્રવાદી કૉંગ્રેસ (અજિત પવાર)ના ગ્રૂૂપનું રજિસ્ટ્રેશન હજી બાકી છે. આ રજિસ્ટ્રેશન બુધવારે થવાની શક્યતા છે. તો મહાનગરપાલિકાની સમિતિના આંકડાઓને જોતા રાષ્ટ્રવાદી કૉંગ્રેસ તરફથી શિંદેસેનાને સમર્થન આપીને સહયોગી ગ્રૂપ તરીકે સ્થાપવામાં આવે એવી શકયતા છે. આ સંદર્ભમાં ટેક્નિકલ બાજુને સમજી લેવા માટે શિંદેસેેનાના રાષ્ટ્રીય જનરલ સેક્રેટરી રાહુલ શેવાળે અને રાષ્ટ્રવાદી કૉંગ્રેસ (અજિત પવાર)ની સઈદા ખાને મંગળવારે પાલિકાના સેક્રેટરિયલ વિભાગની મુલાકાત લઈને ટેક્નિકલ બાબતની માહિતી મેળવી હતી. ગ્રૂપ રજિસ્ટ્રેશન અને સહયોગી ગ્રૂપ સ્થાપવા બાબતે બુધવારે નિર્ણય લેવામાં આવે એવી શક્યતા છે. તે માટે રાષ્ટ્રવાદી કૉંગ્રેસના ત્રણ નગરસેવક કોંકણ ભવનમાં પણ જવાના છે.

શિંદેસેના અને ભાજપ વચ્ચે સમિતિઓની વહેંચણીને મુદ્દે ચાલી રહેલી ચર્ચા પર બે-ત્રણ દિવસમાં મુખ્ય પ્રધાન સાથે ચર્ચા થયા બાદ તેનો ઉકેલ આવે એવી શકયતા છે. તેથી બહુ જલદી મેયર બાદ હવે પ્રભાગ સમિતિની પણ ચૂંટણી પાર પડશે એવું જણાઈ આવે છે. ૧૧ ફેબ્રુઆરીના મૅયર પદ માટે બપોરના ૧૨ વાગે ચૂંટણી થવાની છે. તે માટે સાત ફેબ્રઆરીના ઉમેદવારી પત્રક દાખલ કરવામાં આવશે.

૧૧ ફેબ્રુઆરીના ફક્ત મેયર અને ડેપ્યુટી મેયરની જ ચૂંટણી થશે
મુંબઈ મહાનગરપાલિકામાં ૧૧ ફેબ્રુઆરીના ફક્ત મેયર અને ડેપ્યુટી મેયરની ચૂંટણી થશે. નિયમ મુજબ મેયર અને ડેપ્યુટી મેયરની ચૂંટણી બાદ તે જ દિવસે ગ્રૂપ લીડર અને વૈધાનિક સમિતિના સભ્યોની જાહેરાત કરવામાં આવે છે પણ આ વખતે એવું કરવામાં આવશે નહીં. આ વખતે મેયર અને ડેપ્યુટી મેયરની ચૂંટણીના ત્રણ દિવસ બાદ સભાગૃહમાં વૈધાનિક સમિતિના સભ્યોની જાહેરાત થશે એવું ચર્ચાઈ રહ્યું છે.

આપણ વાંચો:  મુંબઈ એરપોર્ટ પર એર ઇન્ડિયા અને ઇન્ડિગોના વિમાનની પાંખો અથડાઈ, મુસાફરોનો આબાદ બચાવ…

Sapna Desai

સપના દેસાઈ (BMC) પત્રકારત્વમાં બે દાયકાથી વધુ સમય સુધી અને હાલ મુંબઈ સમાચારમાં વરિષ્ઠ સંવાદદાતા તરીકે કાર્યરત છે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન, એમએમઆરડીએ, હવામાન અને મુંબઈના રાજકીય પરિદૃશ્ય પર રિપોર્ટિંગ કરવામાં નિષ્ણાત છે. તેમની વ્યાપક કારકિર્દીમાં ફિલ્ડ રિપોર્ટિંગ અને ડેસ્ક કાર્ય બંનેનો સમાવેશ થાય છે. નાગરિક સમસ્યાઓ, હ્યુમન ઇન્ટરેસ્ટ સ્ટોરીઝ તથા… More »

સંબંધિત લેખો

Back to top button