મુંબઈને મળશે વધારાનું પાણી!
તુલસી તળાવમાં વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની ક્ષમતા વધારાશે
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈમાં આવેલા તુલસી તળાવ ખાતે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની ક્ષમતા વધારવાનો વિચાર મુંબઈ મહાનગરપાલિકા કરી રહી છે. તેનો અભ્યાસ કરવા માટે અને સંભવિત અહેવાલ સબમીટ કરવા માટે ટૂંક સમયમાં સલાહકારની નિમણૂક કરવામાં આવવાની છે. પાલિકાએ તાજેતરમાં જ વિહાર તળાવમાંથી વધારાનું પાણી ભાંડુપ ફિલ્ટરેશન પ્લાન્ટમાં વાળવાના પ્રોજેક્ટ માટે કૉન્ટ્રેક્ટ આપ્યો છે. પાણીની વધતી માંગને પહોંચી વળવા માટે પાલિકાએ અનેક પ્રોજેક્ટ હાથ ધર્યા છે, જેમાં ડિસેલિનેશન પ્લાન્ટ, સાત સીવરેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું અપગ્રેડેશન વગેરેનો સમાવેશ થાય છે. પાલિકા દ્વારા ૨૦૧૨માં છેલ્લો ડેમ વૈતરણા બાંધવામાં આવ્યો હતો, જે પ્રતિદિન ૪૫૫ મિલિયન લિટર જેટલો પાણીનો પુરવઠો કરે છે. આ દરમિયાન ગાર્ગઈ ડેમ પ્રોજેક્ટ અનેક પ્રકારની મંજૂરીઓના ચક્કરમાં અટવાયેલો છે, તેથી પાણીના અન્ય સ્ત્રોત
પર પાલિકા કામ કરી રહી છે.
પાલિકાએ તુલસી તળાવ ખાતેના હાલના વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની ક્ષમતા વધારવાની શક્યતા અંગે સર્વેક્ષણ અને અભ્યાસ કરવા સલાહકારની નિમણૂક કરવા માટે ટેન્ડર મગાવ્યા છે. આ તળાવો અંગ્રેજો દ્વારા બાંધવામાં આવેલું બીજું જળાશય છે. આ તળાવ શહેરને કુલ પુરવઠામાં દૈનિક ૧૮ મિલિયન લિટર પાણીનું યોગદાન આપે છે.
પાલિકાના ઉચ્ચ અધિકારીના જણાવ્યા મુજબ હાલનો વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ જૂનો છે. તેથી તેનું પુન:નિર્માણ કરવું પડશે. ક્ધસલ્ટન્ટ સલાહ આપશે તે મુજબ વર્તમાન ક્ષમતા ૧૮ મિલિયન લિટર પર ડે (એમએલડી)છે, તેને વધારીને ૨૫ એમએલડી કરી શકાશે.
નોંધનીય છે કે પાલિકાએ તાજેતરમાં ભાંડુપ કૉમ્પ્લેક્સમાં નવો વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની સુવિધા ઊભી કરવા માટે કૉન્ટ્રેક્ટ આપ્યો છે. હાલનો પ્લાન્ટ ૧,૯૧૦ એમએલડીનો હાલનો પ્લાન્ટ જૂનો થઈ ગયો છે અને તેને બદલવાની જરૂર છે. આ પ્રોજેક્ટની અંદાજિત કિંમત લગભગ ૨,૦૦૦ કરોડ રૂપિયા છે. વિહાર લેક પર ઊભા કરવામાં આવનારા પંપિંગ સ્ટેશનને કારણે ચોમાસા દરમિયાન ૨૦૦ એમએલડી પાણી ઉપલબ્ધ થશે.