મુંબઈમાં હવે વીકએન્ડ મેરેજ રજિસ્ટ્રેશન સર્વિસ: સોમવારથી શુક્રવાર ફાસ્ટ ટ્રૅક મેરેજ રજિસ્ટ્રેશન પણ ઉપલબ્ધ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈના નાગરિકો હવે વીકએન્ડ એટલે કે શનિવાર અને રવિવારે પણ લગ્નની નોંધણી કરાવી શકશે. એ સાથે જ સોમવારથી શુક્રવારના સમયમાં દરરોજ થનારા રજિસ્ટ્રેશનમાંથી ૨૦ ટકા રજિસ્ટ્રેશન હવે ફાસ્ટ ટ્રૅક મેરેજ રજિસ્ટ્રેશન સર્વિસ તરીકે રિર્ઝવ રહેશે. આ બંને સેવાનો લાભ લેનારા દંપતીને રજિસ્ટ્રેશન કરવાના દિવસે જ મેેરેજ સર્ટિફિકેટ મળશે.
મુંબઈ મહાનગરપાલિકાના આરોગ્ય ખાતા દ્વારા હવેથી મુંબઈગરા માટે વિવાહની નોંધણી વધુ ઝડપથી અને સરળ રીતે ઉપલબ્ધ કરી આપવામાં આવી છે. મેરેજ રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ દરેક દંપતી માટે મહત્ત્વનો દસ્તાવેજ હોય છે. અલગ અલગ સરકારી કામ માટે તે આવશ્યક હોય છે. મુંબઈ મહાનગરપાલિકામાં વર્ષ દરમ્યાન લગભગ ૩૦,૦૦૦થી ૩૫,૦૦૦ મેરેજનું રજિસ્ટ્રેશન થાય છે. જોકે આખા વર્ષમાં જેટલા લગ્ન થાય છે તેની સરખામણીમાં રજિસ્ટ્રેશનનું પ્રમાણ ઓછું છે. તેથી પાલિકાએ હવે નવો ઉપક્રમ શરૂ કર્યો છે. તેમાં પાલિકા દ્વારા વિવાહ નોંધણીની પ્રક્રિયામાં બે નવી સેવાનો સમાવેશ કરવામાં આવ્યો છે. જોકે પબ્લિક હોલિડેના દિવસે આ સેવા બંધ રહેશે.
પાલિકાના જણાવ્યા મુજબ ઓફિસના કામકાજ સિવાયના દિવસમાં ફાસ્ટ ટ્રેક મેરેજ રજિસ્ટ્રેશન સર્વિસ ઉપલબ્ધ કરી આપવામાં આવી છે. તો બીજી સેવામાં વીક એન્ડમાં એટલે કે શનિવાર અને રવિવારે પણ હવે લગ્નનું રજિસ્ટ્રેશન થશે, તે માટે વીકએન્ડ મેરેજ રજિસ્ટ્રેશન સર્વિસ ઉપલબ્ધ કરી આપવામાં આવી છે. આ બંને સેવા માટે નિયમિત રજિસ્ટ્રેશન ફી સહિત એડિશનલ ફી ૨,૫૦૦ રૂપિયા વસૂલ કરવામાં આવવાની છે. આ બંને સેવામાં આવશ્યક દસ્તાવેજોની પૂર્તતા, તપાસણી અને ફી ભર્યા બાદ કાર્યવાહી પૂરી કર્યા બાદ રજિસ્ટ્રેશનના દિવસે જ મેરેજ સર્ટિફિકેટ સંબંધિત દંપતીને આપવામાં આવશે.
પાલિકાના જણાવ્યા મુજબ આ બંને સર્વિસ રવિવાર, ૨૧ સપ્ટેમ્બર, ૨૦૨૫થી શરૂ થઈ રહી છે. આ બંને સેવાને કારણે મેરેજ રજિસ્ટ્રેશનની પ્રક્રિયા વધુ ઝડપથી થશે. તેમ જ મેરેજ રજિસ્ટ્રેશનનું પ્રમાણ પણ વધશે. વીકએન્ડમાં એટલે કે શનિવાર અને રવિવારે રજાના દિવસે સવારના નવ વાગ્યાથી બપોરના એક વાગ્યા સુધી વીક-એન્ડ મેરેજ રજિસ્ટ્રેશન સર્વિસ ઉપલબ્ધ થશે.
આ વોર્ડમાં વીકએન્ડમાં સર્વિસ ઉપલબ્ધ થશે
દર શનિવારે એ, સી, એફ-દક્ષિણ, જી-દક્ષિણ, એચ-પૂર્વ, પી-દક્ષિણ, પી-ઉત્તર, આર-સેન્ટ્રલ, એલ,એમ-પશ્ર્ચિમ અને એસ વોર્ડમાં મેરેજ રજિસ્ટ્રેશન કરી શકાશે. તો દર રવિવારે બી,ડી, એફ-ઉત્તર, જી-ઉત્તર, એચ-પશ્ર્ચિમ, કે-પશ્ર્ચિમ, પી-પૂર્વ, આર-દક્ષિણ, આર-ઉત્તર, એન, એમ-પૂર્વ, ટી આ ૧૨ વોર્ડમાં મેરેજ રજિસ્ટ્રેશન કરી શકાશે