મુંબઇગરાઓ આજે ઘરમાં જ રહેજો, શહેરમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા
મુંબઇઃ ભારતીય હવામાન વિભાગે શુક્રવારે આગાહી કરી હતી તે મુજબ શનિવારે સવારે મુંબઈ અને મેટ્રોપોલિટન વિસ્તારમાં ભારે વરસાદ પડી રહ્યો છે . શનિવારે સવારના વરસાદને કારણે શહેરના ઘણા ભાગોમાં પાણી ભરાઈ ગયા હતા અને અધિકારીઓએ પૂરના કારણે અંધેરી સબવેને અસ્થાયી રૂપે બંધ કરી દીધો હતો. મુંબઈ ટ્રાફિક પોલીસે જણાવ્યું કે ટ્રાફિકનો માર્ગ SV રોડ તરફ વાળવામાં આવ્યો છે. વહેલી સવારથી મુંબઈમાં ભારે વરસાદને કારણે રેલવે અને બસ સેવાઓને અસર થઈ છે, જેના કારણે મુસાફરોને અસુવિધા પડી રહી છે.
અવિરત વરસાદને કારણે કેટલાક રસ્તાઓ અને રેલ્વે ટ્રેક પર પાણી ભરાઈ ગયા હતા, જેના કારણે જાહેર પરિવહન સેવાઓ ધીમી પડી હતી.
પશ્ચિમ રેલવેએ દાવો કર્યો હતો કે તેની ઉપનગરીય સેવાઓ “ચાલી રહી છે”.
સવારે 8 વાગ્યે પૂરા થતા 24 કલાકમાં મુંબઈ શહેરમાં સરેરાશ 78 મીમી વરસાદ નોંધાયો હતો. પૂર્વ મુંબઈ 57 મીમી અને પશ્ચિમ મુંબઈમાં 67 મીમી વરસાદ નોંધાયો હતો.
મહારાષ્ટ્રના વિવિધ ભાગોની વાત કરીએ તો ભારે વરસાદને કારણે નાગપુર જિલ્લાની તમામ શાળાઓ અને કોલેજો 20 જુલાઈએ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. IMDએ શનિવારે નાગપુર માટે ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે. હવામાન વિભાગે નાગપુર સહિત વિદર્ભના અન્ય જિલ્લાઓમાં બે દિવસ માટે એલર્ટ જાહેર કર્યું છે. ગઢચિરોલી, યવતમાલ, વર્ધા, ચંદ્રપુર, અમરાવતી, ભંડારા, ગોંદિયા જેવા આ તમામ સ્થળોએ સવારથી વરસાદ પડી રહ્યો છે.