મુંબઈમાં ગરમી અને ઉકળાટ: તાપમાનનો પારો ૩૫ ડિગ્રીને પાર

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈમાં ગયા અઠવાડિયાથી મુંબઈ સહિત રાજ્યના અનેક વિસ્તારમાં મહત્તમ તાપમાનમાં વધારો થવાથી ગરમી અને ઉકળાટનો અનુભવ થઈ રહ્યો છે. લઘુતમ તાપમાનનો પારો ઉપર-નીચે થઈ રહ્યો છે ત્યારે હજી ફેબ્રુઆરી શરૂ થયો છે અને તાપમાનનો પારો ઊંચો નોંધાયો છે.
બુધવાર બાદ ગુરુવારે સતત બીજા દિવસે મહત્તમ તાપમાન ૩૫ ડિગ્રીની ઉપર નોંધાયું હતું. હવામાન ખાતાએ મુંબઈ સહિત કોંકણમાં પારો હજી ઉપર જવાની શક્યતા વ્યક્ત કરી છે. તેથી આગામી દિવસોમાં ગરમીનું પ્રમાણ હજી વધવાની શક્યતા છે.
મુંબઈમાં બુધવારે સાંતાક્રુઝમાં મહત્તમ તાપમાન ૩૫ ડિગ્રી જેટલું નોંધાયું હતું, જે સામાન્ય તાપમાન કરતા ૩.૪ ડિગ્રી વધુ હતું. તેથી બુધવારના દિવસ ચાલુ મોસમનું અત્યાર સુધીનું સૌથી ઊંચુ તાપમાન નોંધાયા બાદ ગુરુવારે તેમાં હજી વધારો નોંધાયો હતો.
આપણ વાચો: ‘ગુજરાતના કાશ્મીર’માં ઠંડી ગાયબ: કચ્છમાં સરેરાશ 30 ડિગ્રી મહત્તમ તાપમાન
ગુરુવારે સાંતાક્રુઝમા મહત્તમ તાપમાન ૩૫.૧ ડિગ્રી અને લઘુતમ તાપમાન ૨૦.૫ ડિગ્રી નોંધાયું હતું. તો કોલાબામાં મહત્તમ તાપમાન ૩૩.૮ અને લઘુતમ તાપમાન ૨૨.૯ ડિગ્રી નોંધાયું હતું. દિવસના ૩૫.૧ ડિગ્રી તાપમાન સાથે ચાલુ મોસમનો ફેબ્રુઆરીનો અત્યાર સુધીનો સૌથી વધુ ગરમ દિવસ રહ્યો હતો.
હવામાન વિભાગના અધિકારીના જણાવ્યા મુજબ હજી ગયા અઠવાડિયા સુધી મુંબઈમાં વાતાવરણ ઠંડુ હતું. મુંબઈમાં ઉત્તર તરફથી ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા હતા પણ હવે પવનોની દિશા બદલાઈ ગઈ છે અને ત્રણ-ચાર દિવસથી મુંબઈમાં દક્ષિણ-પૂર્વ દિશા (અગ્નિ દિશા)માંથી પવનો વાતાવરણના નીચેના પટ્ટામાં ફૂંકાઈ રહ્યા છે.
સૂકા પવનોને કારણે વાતાવરણમાં ગરમીનું પ્રમાણ વધી જવાથી મુંબઈમાં ગરમી થઈ રહી છે. મુંબઈ સહિત કોંકણમાં આગામી દિવસમાં મહત્તમ તાપમાનમાં હજી વધારો થવાની શક્યા છે.



