મુંબઇગરા સાવધાન! આ વખતે ઉનાળો ભયંકર હશે

મુંબઇઃ છેલ્લા કેટલાક દિવસોથી મુંબઇના તાપમાનમાં વધઘટ થઇ રહી છે. લોકોને રાતે ઠંડી અને દિવસે ગરમીનો અનુભવ થઇ રહ્યો છે. જોકે, છેલ્લા કેટલાક દિવસથી મુંબઇના તાપમાનમાં નાટ્યાત્મક રીતે ભારે વધારો થતાં લોકોને ઠઁડીની સિઝનમાં ગરમીનો અનુભવ થવા લાગ્યો હતો. છેલ્લા ત્રણેક દિવસથી મુંબઇમાં મહત્તમ તાપમાન 36 ડિગ્રી સેલ્શિયસથી વધુ નોંધાયું હતું તો મહારાષ્ટ્રના સોલાપુરમાં ગરમીનો પારો 37.4 સુધી પહોંચી ગયો હતો. જોકે, રવિવારની સરખામણીમાં સોમવારો તાપમાનનો પારો પાંચ ડિગ્રી જેટલો ગગડ્યો હતો અને લોકોએ ફરી પાછો ઠંડીનો અનુભવ કર્યો હતો. હવે હવામાન વિભાગે આગામી બેત્રણ દિવસમાં મુંબઇમાં લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં ફેરફારની આગાહી કરી છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે હવાના દબાણમાં ફેરફાર થવાને કારણે ઠંડી, ગરમીના પ્રમાણમાં વધઘટ થઇ રહી છે. આવા અકળ તાપમાનને કારણે મુંબઇગરાઓ પણ શરદી, ખાંસી, તાવ જેવી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે.
સોમવારે મુંબઈના કોલાબા ખાતે મહત્તમ તાપમાન 30.5 ડિગ્રી સેલ્સિયસ અને સાન્તાક્લોઝ સ્ટેશન પર મહત્તમ તાપમાન 33.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. આગામી બે ત્રણ દિવસ સુધી મહત્તમ તાપમાન 33 થી 37 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહેશે અને લઘુતમ તાપમાન 18 થી 20 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહેવાની શક્યતા છે. મુંબઈ ઉપરાંત અલિબાગ, કોલ્હાપુર અને માલેગાંવમાં પણ મહત્તમ તાપમાનમાં ઘટાડો જોવા મળ્યો છે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન 11 થી 18 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હાલમાં તો નાગરિકો સવારે ધુમ્મસ અને બપોરે ગરમી અને રાતના ઠંડી જેવી પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે અને હવામાન વિભાગના વરતારા પરથી એવું લાગે છે કે આ પરિસ્થિતિ આગામી થોડા દિવસ સુધી ચાલુ રહેશે.
Also read: મુંબઇગરા ગરમીથી ત્રાહિમામ: પારો ઉતર્યો પણ તકલીફ યથાવત
આ વખતે ઉનાળો ભયંકર રહેશે:-
હવામાન વિભાગે એવી આગાહી કરી છે કે મુંબઈમાં આ વખતનો ઉનાળો આકરો રહી શકે છે. આ વર્ષે જાન્યુઆરી મહિનો અત્યાર સુધીના કોઈપણ જાન્યુઆરી મહિના કરતાં વધુ ગરમ રહ્યો છે અને આ વર્ષે ઉનાળાને ઋતુની શરૂઆત પણ વહેલી થઈ શકે છે અને એપ્રિલ અને મે મહિનામાં ગરમીમાં વધારો થશે. આ વર્ષે ઉનાળામાં સામાન્ય તાપમાનની તુલનામાં મહત્તમ અને લઘુતમ તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો વધારો થઈ શકે છે. જો આવું થશે તો મુંબઈના લોકોને કાળઝાળ ગરમી અને ભારે ઉકાળાટનો સામનો કરવો પડશે.